પૃથ્વી પર હજુ પણ ઘણી જગ્યાઓ માનવ પહોંચથી દૂર છે. તેમાંની એક છે પાપુઆ ન્યુ ગિનીની 'સ્ટાર માઉન્ટેન્સ' (તારા પર્વત). ગાઢ જંગલો, ઊંડી ખીણો અને બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે આવેલું આ સ્થળ એટલું દુર્ગમ છે કે ત્યાં સામાન્ય માણસ પહોંચી શકે નહીં. આ ભૌગોલિક કઠિનતાને કારણે જ તેને દુનિયાનું સૌથી રહસ્યમય સ્થળ માનવામાં આવે છે. અહીં એલિયન્સ રહેતા હોવાની વાતો પણ અવારનવાર ચર્ચામાં આવે છે.
સ્ટાર માઉન્ટેન્સ ઇન્ડોનેશિયાના પશ્ચિમી ન્યુ ગિનીથી લઈને પાપુઆ ન્યુ ગિની સુધી ફેલાયેલા છે. આ વિસ્તારમાં પાકા રસ્તાઓ નથી. ત્યાંના અબ્મિસિબિલે અને માબીલાબોલ જેવા ગામડાંઓ સુધી પહોંચવા માટે લાંબી પગપાળા યાત્રા કરવી પડે છે અથવા હેલિકોપ્ટરનો સહારો લેવો પડે છે.
અહીંનું મુખ્ય શિખર માઉન્ટ જુલિયાના છે, જેને પુંચક મંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શિખર આશરે 4,700 મીટર ઊંચું છે. કઠોર હવામાન અને હિમનદીઓને કારણે અહીં પર્વતારોહણ અત્યંત પડકારજનક છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ ખાસ છે, કારણ કે અહીં વૃક્ષ પર રહેતા કાંગારૂ (ટ્રી કાંગારૂ), ગાતા કૂતરા (સિંગિંગ ડોગ) અને અત્યંત ચમકદાર, રંગબેરંગી પીંછા ધરાવતાં 'બર્ડ્સ ઑફ પેરેડાઇઝ' જેવા અનેક અનોખા જીવો જોવા મળે છે. અહીં માત્ર સ્થાનિક આદિવાસીઓ અને ગણ્યાગાંઠ્યા વૈજ્ઞાનિકો જ પહોંચી શક્યા છે.
આ વિસ્તારની દુર્ગમતા અને ગુફાઓને કારણે ઇન્ટરનેટ પર એલિયન્સ હોવાની અફવાઓ ચર્ચામાં રહે છે. જોકે, સ્ટાર માઉન્ટેન્સમાં એલિયન્સ હોવાનો કોઈ સત્તાવાર પુરાવો મળ્યો નથી. પાપુઆ ન્યુ ગિની સાથે જોડાયેલી કેટલીક ઐતિહાસિક ઘટનાઓએ આ થિયરીઓને બળ આપ્યું છે.
જૂન 1959માં બોઈઆનાઈ મિશન સ્ટેશન પર એક પ્રખ્યાત ઘટના બની હતી. ફાધર વિલિયમ ગિલ અને અન્ય 37 સ્થાનિક લોકોએ આકાશમાં એક વિશાળ રકાબી જેવું વાહન (UFO) જોયું હતું, જેના પર 4 માનવ જેવા જીવો કામ કરી રહ્યા હતા. જ્યારે નીચે ઊભેલા લોકોએ હાથ હલાવ્યો, ત્યારે તે જીવોએ પણ વળતો જવાબ આપતાં હાથ હલાવ્યા હતા. આ ઘટનાને વિશ્વની સૌથી વિશ્વસનીય UFO ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે.
સપ્ટેમ્બર 2026માં પાપુઆ ન્યુ ગિની નજીક પેસિફિક મહાસાગરના તળિયે 10 માઇલ લાંબી અને 4 માઇલ પહોળી એક ભૌમિતિક રચના સેટેલાઇટમાં કેદ થઈ હતી. ઘણા સંશોધકો માને છે કે આ કોઈ કુદરતી પહાડ નથી, પરંતુ પાણીની અંદર આવેલો એલિયન બેઝ હોઈ શકે છે. સ્ટાર માઉન્ટેન્સના માનવવસ્તી વગરના વરસાદી જંગલોને કારણે લોકો તેને એલિયન્સનું સંતાવાનું સ્થળ માને છે.
વિજ્ઞાનીઓ આ બધી માન્યતાઓને માત્ર કાલ્પનિક થિયરીઓ ગણાવે છે. તેમનું કહેવું છે કે સ્ટાર માઉન્ટેન્સ પોતાની કુદરતી વિવિધતા અને અત્યંત મુશ્કેલ ભૂપ્રદેશને કારણે પૃથ્વી પરનું એક દુર્ગમ સ્થળ છે, એનાથી વિશેષ કશું નથી.