વડોદરા શહેરની મધ્યમાં આવેલી સર સયાજીરાવ જનરલ (SSG) હોસ્પિટલ ચર્ચામાં આવી છે. બોડેલીના એક પરિવારના સભ્યનું અવસાન થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂરી થયા બાદ મૃતદેહને પેક કરીને પરિવારને સોંપવાનો હોય છે. આ દરમિયાન હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીએ મૃતદેહ પેક કરવાના ₹1500 માંગ્યા હોવાનો આરોપ છે.
પરિવારજનોએ આ ઘટનાનો વીડિયો મોબાઈલમાં ઉતાર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વીડિયોમાં પૈસા માંગવાની ઘટના સામે આવતાં હોસ્પિટલ તંત્રએ તપાસ શરૂ કરી છે.
SSG હોસ્પિટલના અધિક્ષક ડો. રંજન ઐયરે જણાવ્યું છે કે વાઈરલ વીડિયો SSG હોસ્પિટલનો જ છે. મૃતદેહ પેક કરવાના બદલામાં પૈસા ઉઘરાવનાર વ્યક્તિ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ધોરણે કામ કરતો કર્મચારી જગદીશ પરમાર છે. તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને હોસ્પિટલમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે.
હોસ્પિટલ તંત્રએ કહ્યું છે કે દર્દીઓના સ્વજનો સાથે આ પ્રકારનું ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચાર સહન કરવામાં આવશે નહીં.
આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ માટે RMO ડો. હિતેન્દ્ર ચૌહાણની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ કમિટી રચવામાં આવી છે. કમિટી તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરશે અને આ કૃત્યમાં અન્ય કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી છે કે નહીં તે અંગે પણ ઝીણવટભરી તપાસ કરશે.