ચીનના શેનઝેનમાં રમાઈ રહેલી ચાઈના માસ્ટર્સ સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતના અનુભવી ખેલાડી કિદાંબી શ્રીકાંતે મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ગુરુવારે બીજા રાઉન્ડમાં શ્રીકાંતે કેનેડાના વર્લ્ડ નંબર-9 વિક્ટર લાઈને 21-18, 21-19થી હરાવીને અપસેટ સર્જ્યો.
પ્રથમ ગેમમાં શ્રીકાંત 3-7થી પાછળ હતા, પરંતુ તેમણે લાઈની ભૂલોનો લાભ ઉઠાવીને 8-8થી બરાબરી કરી. બ્રેક પછી લાઈ 15-11થી આગળ હતો, પરંતુ શ્રીકાંતે સતત પોઈન્ટ મેળવીને 15-15થી બરાબરી કરી અને 21-18થી ગેમ જીતી લીધી.
બીજી ગેમમાં શ્રીકાંત 9-14થી પાછળ હતા, પણ તેમણે પાછા ફરીને 18-18થી બરાબરી કરી. ત્યારબાદ લાઈના બે સતત શોટ બહાર ગયા, જેથી શ્રીકાંતે 21-19થી મેચ જીતી લીધી. હવે તેમનો સામનો ક્વાર્ટર ફાઈનલમાં હોંગકોંગના લી ચેઉક યુ સાથે થશે.
વુમન્સ સિંગલ્સમાં તન્વી શર્મા જાપાનની વર્લ્ડ નંબર-9 ટોમોકા મિયાઝાકી સામે 17-21, 21-18, 16-21થી હારીને બહાર થઈ ગઈ. તેણીએ પહેલી ગેમ ગુમાવ્યા બાદ બીજી ગેમ જીતીને વાપસી કરી, પરંતુ ત્રીજી ગેમમાં મિયાઝાકીએ 21-16થી જીત મેળવી.
મિક્સ્ડ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને તનીષા ક્રાસ્ટોની જોડી ચીની તાઈપેઈના લિયુ કુઆંગ હેંગ અને સૂ યિન હુઈ સામે 21-18, 21-18થી હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.