સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાની ટીમ જાહેર: ઈશાન મલિંગાની પહેલી તક, ડિકવેલા બહાર

પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાની ટીમ જાહેર: ઈશાન મલિંગાની પહેલી તક, ડિકવેલા બહાર

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે નવેમ્બરમાં પાકિસ્તાન સામે રમાનારી બે ટેસ્ટ મેચની સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. આ સિરીઝ રાવલપિંડી અને લાહોરમાં રમાશે.

ટીમમાં ઝડપી બોલર ઈશાન મલિંગાને પહેલી વાર સ્થાન મળ્યું છે, જ્યારે વિકેટકીપર અંજલા બંડારા પણ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ટીમમાં પસંદ થયો છે. ડિકવેલાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. લેફ્ટ આર્મ પેસર દિલશાન મધુશંકાની ટીમમાં વાપસી થઈ છે.

કુશલ મેન્ડિસ પ્રથમ વખત ટેસ્ટ કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે. ધનંજય ડી સિલ્વાએ કેપ્ટનપદ છોડ્યા બાદ તેમને આ જવાબદારી સોંપાઈ છે. પાકિસ્તાન પ્રવાસ પર તેમની આ પ્રથમ ટેસ્ટ સિરીઝ હશે.

અંજલા બંડારાએ ડિકવેલાનું સ્થાન લીધું છે. ડિકવેલાને ઑગસ્ટમાં ભારત સામેની ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝ માટે પરત બોલાવાયો હતો, પરંતુ હવે તેની ટીમમાં પસંદગી થઈ નથી.

ઈશાન મલિંગા નાના ફોર્મેટમાં સતત રમી રહ્યો છે. આ તેનું પ્રથમ ટેસ્ટ ટીમ કૉલ-અપ છે. તેણે 19 ફર્સ્ટ ક્લાસ મેચમાં 44 વિકેટ ઝડપી છે, જેની બોલિંગ સરેરાશ 31.15 છે.

લાહિરુ ઉદારા અને કામિલ મિશ્રાને પણ ટીમમાંથી બહાર કરાયા છે. બંનેએ કોલંબોમાં ભારત સામેની બીજી ટેસ્ટ રમી હતી. ઓલરાઉન્ડર સહાન અરાચિગેને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી; ભારત સામેની ટેસ્ટ માટે તેને ટીમમાં સામેલ કરાયો હતો.

દિનેશ ચાંદીમલનું ટીમમાં પુનરાગમન થયું છે. ગૉલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કન્કશનને કારણે તેને મેચમાંથી બહાર થવું પડ્યું હતું.

શ્રીલંકાની ટીમ: કુશલ મેન્ડિસ (કેપ્ટન), પાથુમ નિસાંકા, પસિન્દુ સૂરિયાબંડારા, દિનેશ ચાંદીમલ, કામિન્દુ મેન્ડિસ, સોનલ દિનુષા, ધનંજય ડી સિલ્વા, અંજલા બંડારા, કેશરા નુવાંથા, પ્રભાત જયસૂર્યા, મિલાન રત્નાયકે, લાહિરુ કુમારા, અસિતા ફર્નાન્ડો, દિલશાન મધુશંકા, ઈશાન મલિંગા.

ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2025માં ઇસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ અને સુરક્ષા ચિંતાઓને કારણે શ્રીલંકન ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસ અધવચ્ચે છોડીને સ્વદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, બાદમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડના નિર્દેશ પર બાકીની ટીમ પાકિસ્તાનમાં રોકાઈ અને તેણે આગળની મેચ રમી હતી. શ્રીલંકન ટીમે પાકિસ્તાન પ્રવાસ દરમિયાન 3 મેચની વન-ડે સિરીઝ રમવાની હતી, જે પાકિસ્તાને 3-0થી જીતી હતી.

17 વર્ષ પહેલાં માર્ચ 2009માં TTPના આતંકવાદીઓએ ગદ્દાફી સ્ટેડિયમ પાસે શ્રીલંકન ટીમની બસ પર ગોળીબાર કર્યો હતો. તેમાં કોઈનું મૃત્યુ થયું નહોતું, પરંતુ કેટલાક ખેલાડીઓ ઘાયલ થયા હતા, જેમાં અજંથા મેન્ડિસનો સમાવેશ થાય છે. આ કારણે લગભગ 10 વર્ષ સુધી પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાઈ નહોતી, કારણ કે ઘણી વિદેશી ટીમે સુરક્ષા ચિંતાઓને કારણે દેશનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો.