સત્ય. સાહસ. સંકલ્પ.

વન-ડે ઈતિહાસમાં બીજો સૌથી મોટો રનચેઝ: શ્રીલંકાએ 430 રન પૂરા કરી ઈંગ્લેન્ડને હરાવ્યું

વન-ડે ઈતિહાસમાં બીજો સૌથી મોટો રનચેઝ: શ્રીલંકાએ 430 રન પૂરા કરી ઈંગ્લેન્ડને હરાવ્યું

રાવલપિંડીમાં રમાયેલી વન-ડે ત્રિકોણીય શ્રેણીની ત્રીજી મેચમાં શ્રીલંકાએ ઈંગ્લેન્ડ સામે 430 રનનો લક્ષ્યાંક પૂરો કરીને ઈતિહાસ રચ્યો છે. 49.5 ઓવરમાં એક બોલ બાકી રહેતા શ્રીલંકાએ મેચ જીતી લીધી. વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં આ કોઈપણ ટીમનો બીજો સૌથી મોટો સફળ રનચેઝ છે અને શ્રીલંકાનો સૌથી મોટો રનચેઝ છે.

શ્રીલંકા તરફથી પવન રતનાયકે 130 રનની શાનદાર ઈનિંગ રમી. દસુન શનાકા અને અવિષ્કા ફર્નાન્ડોએ 97-97 રન બનાવ્યા, જ્યારે જનિથ લિયાંગ 61 રન બનાવીને અણનમ રહ્યો.

મેચ અંતે ફરી એકવાર શ્રીલંકા માટે અઘરી બની ગઈ હતી. છેલ્લા બે બોલમાં જીત માટે 6 રનની જરૂર હતી અને 8 વિકેટ પડી ગઈ હતી. છેલ્લી ઓવરમાં 8 રન બચાવવા ઉતરેલા જોશ ટંગે પહેલા ચાર બોલમાં બે વિકેટ લીધી હતી, પણ લિયાંગને સ્ટ્રાઈક મળતાં જ તેણે સિક્સર ફટકારીને શ્રીલંકાને જીત અપાવી.

પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 429 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે 116 બોલમાં 202 રનની બેવડી સદી ફટકારી હતી.

વન-ડે ઈતિહાસમાં સૌથી મોટો સફળ રનચેઝ હજુ પણ દક્ષિણ આફ્રિકાના નામે છે, જેણે 2006માં જોહાનિસબર્ગમાં ઓસ્ટ્રેલિયા સામે 435 રનનો પીછો કર્યો હતો. શ્રીલંકાનો આ રનચેઝ ભારતે ગુવાહાટીમાં વેસ્ટ ઈન્ડીઝ સામે કરેલા 406 રનના પીછા કરતાં પણ મોટો છે. આ વર્ષે એક મહિનાની અંદર વન-ડેમાં 400થી વધુ રનનો પીછો બીજી વાર કરવામાં આવ્યો છે.

વન-ડે ઈતિહાસમાં સૌથી મોટા સફળ રનચેઝ: 435 રન – દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, જોહાનિસબર્ગ 2006; 430 રન – શ્રીલંકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, રાવલપિંડી 2026; 406 રન – ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડીઝ, ગુવાહાટી 2026; 375 રન – નેધરલેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડીઝ, હરારે 2023 (સુપર ઓવરમાં જીત); 372 રન – દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ડર્બન 2016.