શ્રીલંકાના ઐતિહાસિક શહેર અનુરાધાપુરામાં ભારતની સહાયથી હાથ ધરાયેલા વિકાસ પ્રોજેક્ટ સામે બૌદ્ધ ભિક્ષુઓએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આ ઉપવાસ સ્થળે બુધવારે બે જૂથો વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ત્રણ ભિક્ષુઓ સહિત સાત લોકોની અટકાયત કરી છે.
પોલીસ પ્રવક્તા એફ.ટી. વૂટલરના જણાવ્યા અનુસાર, ઉપવાસ પર બેઠેલા બાલંગોડા કસ્સપ અને તેમના સમર્થકો તથા તાજેતરમાં ભિક્ષુ પદેથી હટાવાયેલા રાજંગનયે સદ્ધારથનના જૂથ વચ્ચે ઉગ્ર વિવાદ અને ઝપાઝપી થઈ હતી. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સદ્ધારથન આંદોલનને ભડકાવવા અને તોડવા આવ્યા હતા, જ્યારે સદ્ધારથને કસ્સપના સમર્થકો પર હુમલાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ ઘટના બાદ પોલીસે કસ્સપ અને સદ્ધારથન સહિત 3 ભિક્ષુઓની ધરપકડ કરી છે, ઉપરાંત 1 મહિલા સહિત 4 નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.
શું છે 7 અબજનો અનુરાધાપુરા વિકાસ પ્રોજેક્ટ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એપ્રિલ 2025ની શ્રીલંકા મુલાકાત દરમિયાન ભારતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અનુરાધાપુરા પવિત્ર નગર પરિસરના વિકાસ માટે ગ્રાન્ટ સહાયની જાહેરાત કરી હતી. શ્રીલંકાએ આ માટે 7 અબજ શ્રીલંકન રૂપિયાથી વધુનો ખર્ચ અંદાજ્યો છે. નવી યોજના મુજબ પવિત્ર વિસ્તારનો વ્યાપ 28 ચોરસ કિલોમીટરથી વધારીને 38 ચોરસ કિલોમીટર કરવામાં આવશે, જેમાં રસ્તાઓનું નવીનીકરણ, સ્વચ્છતા, કચરાનું વ્યવસ્થાપન અને યાત્રાળુઓ માટે પરિવહન સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે.
ભારત વિરોધ પાછળ ભિક્ષુઓની આશંકા અને માંગણીઓ
આ વિરોધ પાછળનું મુખ્ય કારણ ભિક્ષુઓમાં રહેલો એવો ડર છે કે વિકાસના નામે આ પ્રાચીન બૌદ્ધ તીર્થસ્થળની મૂળ ઓળખ બદલાઈ જશે અને ત્યાં હિંદુ ધાર્મિક માળખા ઊભા કરવામાં આવશે. ધરપકડ પહેલા ભિક્ષુ કસ્સપે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી સરકાર આ વિકાસ યોજનાનું ગેઝેટ નોટિફિકેશન રદ નહીં કરે અને કોર્ટના તિરસ્કાર બદલ જેલમાં બંધ કટ્ટરપંથી ભિક્ષુ ગલગોડાટ્ટે જ્ઞાનસારને માફી નહીં આપે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.