સત્ય. સાહસ. સંકલ્પ.

વુમન્સ એશિયા કપ: શ્રીલંકાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું, ફાતિમા સનાના આંસુ

વુમન્સ એશિયા કપ: શ્રીલંકાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું, ફાતિમા સનાના આંસુ

દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી વુમન્સ એશિયા કપની સેમિફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ હાર સાથે પાકિસ્તાનની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 130 રન બનાવ્યા. શરૂઆતમાં સતત વિકેટ પડતાં ટીમ દબાણમાં આવી ગઈ હતી. કેપ્ટન ફાતિમા સનાએ 36 બોલમાં 47 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. ભારે ગરમી વચ્ચે તેને સ્નાયુમાં ખેંચ (ક્રૅમ્પ્સ)ની તકલીફ થઈ હતી, તેમ છતાં તે અંત સુધી ક્રીઝ પર ટકી રહી. તુબા હસન સાથે મળીને તેણે છેલ્લી ચાર ઓવરમાં ઝડપથી રન ઉમેર્યા.

131 રનના લક્ષ્યાંકનો પીછો કરતી શ્રીલંકા સામે ફાતિમા સનાએ પહેલી જ ઓવરમાં સતત બે બોલ પર કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને સંજના કવિંદીને પેવેલિયન ભેગા કર્યા. એક સમયે શ્રીલંકાએ 33 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ પાકિસ્તાનના તરફેણમાં જતી દેખાતી હતી.

પરંતુ હર્ષિતા સમરવિક્રમા (36 રન) અને કવિશા દિલહારી (33 રન) વચ્ચે 67 રનની ભાગીદારીએ મેચનું ચિત્ર બદલી નાખ્યું. ફાતિમા સનાએ પોતાની ત્રીજી ઓવરમાં પહેલા હર્ષિતાને આઉટ કર્યા અને પછી કવિશાને એલબીડબલ્યુ કરીને મેચમાં ચોથી વિકેટ ઝડપી. ત્યાર બાદ કૌશાની નુત્યાંગના અને નીલાક્ષિકા સિલ્વાએ જવાબદારી સંભાળી. નુત્યાંગનાએ ફાતિમાના બોલ પર પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી સિક્સર ફટકારી, જ્યારે સિલ્વાએ ચોગ્ગો ફટકારીને શ્રીલંકાને ફાઇનલમાં પહોંચાડ્યું.

ફાતિમા સનાને તેની ઓલરાઉન્ડ રમત માટે 'પ્લેયર ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવી, પરંતુ આ સિદ્ધિ ટીમની હારનું દર્દ ઓછું કરી શકી નહીં. મેચ પૂરી થતાં જ તે મેદાન પર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.

મેચ બાદ ફાતિમાએ સ્વીકાર્યું કે ફીલ્ડિંગમાં થયેલી ભૂલો ટીમને ભારે પડી. તેણે કહ્યું કે 130 રનનો સ્કોર બચાવી શકાય તેવો હતો, પરંતુ બેટિંગમાં પણ સુધારાની જરૂર છે. આ સેમિફાઇનલમાં શ્રીલંકાની પાકિસ્તાન સામેની આ સતત ત્રીજી જીત હતી. હવે રવિવારે ફાઇનલમાં શ્રીલંકાનો સામનો ભારત સામે થશે.