રાવલપિંડીમાં મંગળવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું. આ જીત સાથે શ્રીલંકાએ પાકિસ્તાનને ત્રણ મેચની સિરીઝમાં ક્લીન સ્વીપ કરતાં રોકી દીધું.
ટૉસ જીતીને શ્રીલંકાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકાએ 17.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પૂરો કરીને જીત મેળવી.
શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે 48 બોલમાં અણનમ 87 રન બનાવ્યા. તેમણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. બોલિંગમાં દાસુન શનાકાએ 3 વિકેટ ઝડપી. મેન્ડિસને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરાયો, જ્યારે સાહિબઝાદા ફરહાનને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાયો.
પાકિસ્તાનના કેપ્ટન સાહિબઝાદા ફરહાને 47 બોલમાં 76 રન બનાવીને ફિફ્ટી ફટકારી. તેમના ઉપરાંત અરાફાત મિનહાસે આઠમા ક્રમે બેટિંગ કરીને નોટઆઉટ 34 રન બનાવ્યા.
શ્રીલંકાના ઝડપી બોલર ઈશાન મલિંગાએ પાકિસ્તાનને શરૂઆતમાં જ ઝટકો આપ્યો. તેમણે પહેલી ઓવરના પહેલા જ બોલ પર ફખર ઝમાનને શોર્ટ થર્ડ પર કેચ કરાવ્યો. ઝમાન 12 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ મલિંગાએ માજ સદાકતને 3 બોલમાં શૂન્યના સ્કોર પર આઉટ કર્યો. શનાકા ઉપરાંત મલિંગા અને નુવાન થષારાએ 2-2 વિકેટ લીધી.
લક્ષ્યાંકનો પીછો કરતી વખતે શ્રીલંકાના સિનૅથ જયવર્ધનેએ પાવરપ્લેમાં ઝડપી બોલરો સામે આક્રમક બેટિંગ કરીને 38 રન બનાવ્યા. લાહિરુ ઉદારા મોહમ્મદ ઇમરાનના પહેલા જ બોલ પર આઉટ થયો. ત્યારબાદ કુસલ મેન્ડિસે કામિન્દુ મેન્ડિસ સાથે મળીને 55 બોલમાં 98 રનની મેચ વિનિંગ ભાગીદારી કરી. કામિન્દુ મેન્ડિસ 27 બોલમાં 40 રન બનાવીને અણનમ રહ્યો. પાકિસ્તાનના મોહમ્મદ ઇમરાન અને અરાફાત મિનહાસે એક-એક વિકેટ લીધી.