ઓનલાઇન ખરીદી કરનારા ગ્રાહકોએ આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. નકલી રિવ્યૂ અને રેટિંગને કારણે ઘણી વાર ગ્રાહકોને હલકી ગુણવત્તાનો સામાન મળી જાય છે.
આજકાલ લોકો સમય અને મહેનત બચાવવા બજારમાં ફરવાને બદલે ઓનલાઇન ખરીદી કરે છે. ઘણા લોકો માત્ર પ્રોડક્ટનો ફોટો નહીં, પણ બીજા ગ્રાહકોના રિવ્યૂ અને રેટિંગ જોઈને વસ્તુ પસંદ કરે છે. પરંતુ જો 5 સ્ટાર રેટિંગવાળી પ્રોડક્ટના રિવ્યૂ જ નકલી હોય, તો ખરીદનારને નબળો સામાન મળી શકે છે.
પહેલી રીત: એકસરખા રિવ્યૂ પર ધ્યાન આપો. જો કોઈ પ્રોડક્ટના ઘણા રિવ્યૂમાં એક જ શબ્દો, ભાષા કે વાક્યરચના વપરાયેલી હોય, તો સાવધ રહો. નકલી રિવ્યૂ ઘણી વાર એક જ ઢાંચામાં લખાયેલા હોય છે. તેમાં વખાણ તો હોય છે, પણ વસ્તુની ખાસિયત કે ઉપયોગ વિશે ચોક્કસ માહિતી હોતી નથી.
બીજી રીત: રિવ્યૂની તારીખ તપાસો. જો કોઈ પ્રોડક્ટને એક-બે દિવસમાં અચાનક મોટી સંખ્યામાં 5 સ્ટાર અને સકારાત્મક રિવ્યૂ મળ્યા હોય, તો તેની ખાતરી કરવી જોઈએ. સામાન્ય રીતે સાચા ગ્રાહકોના રિવ્યૂ જુદા જુદા સમયે આવે છે. એટલે અચાનક વધેલું રેટિંગ ફેક રિવ્યૂ હોઈ શકે છે.
ત્રીજી રીત: માત્ર 5 સ્ટાર રેટિંગ પર આધાર ન રાખો. ખરીદી કરતા પહેલાં 1, 2 અને 3 સ્ટારવાળા રિવ્યૂ પણ વાંચો. તેનાથી સામાનની ખામી, નબળી ગુણવત્તા, ડિલિવરી અને ઉપયોગમાં આવતી મુશ્કેલીઓ વિશે જાણકારી મળી શકે છે. માત્ર સારું રેટિંગ જોઈને ખરીદી કરવી યોગ્ય ગણાતી નથી.
ચોથી રીત: રિવ્યૂમાં મુકેલા ફોટો અને વીડિયો જુઓ. જે ગ્રાહકો પ્રોડક્ટ મળ્યા પછી તેના ફોટો કે વીડિયો શેર કરે છે, તેનાથી રંગ, સાઈઝ, ફિનિશિંગ અને ગુણવત્તાનો અંદાજ મળી શકે છે. જોકે, ફોટો-વીડિયોવાળા રિવ્યૂ પણ સંપૂર્ણપણે ભરોસાપાત્ર હોવાની ગેરંટી નથી.
પાંચમી રીત: રિવ્યૂ આપનારની પ્રોફાઇલ તપાસો. જો કોઈ ગ્રાહકે અનેક અલગ પ્રોડક્ટ પર એકસરખાં વખાણ લખ્યાં હોય, અથવા તેની પ્રોફાઇલ પર બહુ ઓછી પ્રવૃત્તિ દેખાય, તો રિવ્યૂ વિશે સતર્ક રહેવું. ખાસ કરીને જ્યારે બધા રિવ્યૂમાં માત્ર સકારાત્મક વાતો લખેલી હોય ત્યારે વધુ સાવધાની રાખવી.