પ્રભાસ અભિનિત ફિલ્મ ‘સ્પિરિટ’ લાંબા સમયથી ચર્ચામાં છે. દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા અને દીપિકા પાદુકોણ વચ્ચેના વિવાદ બાદ આ ફિલ્મ ચર્ચાના કેન્દ્રમાં રહી છે. શરૂઆતમાં આ ફિલ્મમાં પ્રભાસ સાથે દીપિકા પાદુકોણ જોવા મળવાની હતી, પરંતુ વિવાદો બાદ તેમણે પ્રોજેક્ટ છોડી દીધો અને તેમની જગ્યાએ તૃપ્તિ ડિમરી લેવામાં આવ્યા છે.
આ વર્ષની શરૂઆતમાં મેકર્સે પોસ્ટ શેર કરીને ફિલ્મ 27 માર્ચ 2027ના રોજ રિલીઝ થવાની જાહેરાત કરી હતી. જોકે, કેટલાક કારણોસર રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી.
હવે મેકર્સે ફિલ્મની નવી રિલીઝ તારીખ જાહેર કરી છે. મંગળવારે સંદીપ રેડ્ડી વાંગાએ સોશિયલ મીડિયા પર પ્રભાસનું નવું પોસ્ટર શેર કરતાં જણાવ્યું કે ‘સ્પિરિટ’ 29 ઓક્ટોબર 2027, દિવાળીના દિવસે રિલીઝ થશે. આ તારીખે રણબીર કપૂર અભિનિત ‘રામાયણ પાર્ટ 2’ પણ રિલીઝ થવાની છે, જેથી બોક્સ ઓફિસ પર બંને ફિલ્મો વચ્ચે ટક્કર થશે.
નોંધનીય છે કે, ‘રામાયણ પાર્ટ 2’ ની રિલીઝ તારીખ અગાઉથી જાહેર થઈ ચૂકી છે. હવે ‘સ્પિરિટ’ પણ તે જ દિવસે આવતાં બંને ફિલ્મો વચ્ચે સીધો મુકાબલો થશે. જોકે, બંને ફિલ્મોની વિગતો અને રિલીઝ પ્લાન અંગે હજુ સત્તાવાર રીતે વધુ માહિતી આપવામાં આવી નથી.