અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીનગર જતી સ્પાઇસજેટની ફ્લાઇટ SG 9634 શનિવારે 12 કલાકથી વધુ મોડી પડી હતી. આ ફ્લાઇટ સવારે 8.40 વાગ્યે ઉપડવાની હતી, પણ ટેકનિકલ કારણોસર રાત સુધીમાં પણ ઉપડી શકી ન હતી. ફ્લાઇટમાં લગભગ 189 મુસાફરો મુસાફરી કરવાના હતા, જેમાં ઘણા અમદાવાદ સહિત રાજ્યભરના હતા અને દિવાળી વેકેશનમાં શ્રીનગર ફરવા જઈ રહ્યા હતા.
મુસાફરોએ જણાવ્યું કે તેઓ સવારે 5થી 6 વાગ્યાની આસપાસ એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને ચેક-ઇન કરી લગેજ પણ જમા કરાવી દીધું હતું. સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું કે ટેકનિકલ કારણોસર ફ્લાઇટ એક કલાક મોડી ઉપડશે. પરંતુ ત્યારબાદ દર એક-બે કલાકે ઉપડવાનો સમય લંબાવવામાં આવતો રહ્યો અને ફ્લાઇટ ક્યારે ઉપડશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી ન હતી. રાતના 8 વાગ્યા સુધીમાં પણ ફ્લાઇટ ઉપડી ન હતી, જેથી મુસાફરોને 12 કલાકથી વધુ સમય ટર્મિનલમાં બેસી રહેવું પડ્યું હતું.
આખો દિવસ રાહ જોયા બાદ પણ સ્થિતિ સ્પષ્ટ ન થતાં બપોર પછી અને સાંજે મુસાફરોએ ટર્મિનલમાં હોબાળો કર્યો હતો. પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા CISFના જવાનોને પણ બોલાવવા પડ્યા હતા.
મુસાફરોની સૌથી મોટી મુશ્કેલી એ હતી કે સવારે જ તેમનું લગેજ એરલાઇન્સમાં જમા થઈ ગયું હતું. જેથી ઘણા મુસાફરોની દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ બેગમાં જ રહી ગઈ હતી. બાળકો સાથે મુસાફરી કરી રહેલા પરિવારોની હાલત પણ કફોડી બની હતી. મુસાફરોએ આક્ષેપ કર્યો કે લાંબા સમય સુધી રાહ જોવી પડી હોવા છતાં એરલાઇન્સ તરફથી ચા-નાસ્તા કે બપોરના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. કેટલાક મુસાફરોની તબિયત પણ બગડી હોવાની માહિતી મળી છે.
એક મુસાફરે જણાવ્યું કે ફ્લાઇટમાં મોટાભાગના લોકો દિવાળી વેકેશનમાં શ્રીનગર ફરવા જઈ રહ્યા હતા. ઘણા પરિવારોએ પ્રતિ વ્યક્તિ 50થી 60 હજાર રૂપિયાના ટૂર પેકેજ બુક કરાવ્યા હતા અને હોટલ તથા સાઇટ સીન માટે વાહનોનું અગાઉથી બુકિંગ પણ કરાવી દીધું હતું. ફ્લાઇટ સમયસર ન ઉપડતાં આખો દિવસ એરપોર્ટ પર જ પસાર થયો હતો, જેથી પ્રવાસના આયોજનમાં ખલેલ પડી હતી અને આર્થિક નુકસાનની ભીતિ પણ ઊભી થઈ છે.
એરપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, સ્પાઇસજેટની નબળી આર્થિક સ્થિતિ અને ફ્યુઅલ પેમેન્ટના મુદ્દાને કારણે ફ્લાઇટ માટે ઇંધણ ઉપલબ્ધ ન થયું હોવાની ચર્ચા છે. ઓઇલ કંપનીને પેમેન્ટ ન મળવાના કારણે ફ્યુઅલ આપવામાં આવ્યું ન હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જોકે, ફ્લાઇટ મોડી થવાનું આ જ કારણ હતું કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
મોડી સાંજે સાડા સાત વાગ્યા બાદ એરલાઇન્સે મુસાફરોનું બોર્ડિંગ શરૂ કર્યું હોવાની માહિતી મળી હતી. મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે ફ્લાઇટ 8.30 વાગ્યા સુધીમાં ટેકઓફ કરશે.