સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હી એરપોર્ટ પર સ્પાઇસજેટની ફ્લાઇટ્સ મોડી અને રદ, મુસાફરો પરેશાન

દિલ્હી એરપોર્ટ પર સ્પાઇસજેટની ફ્લાઇટ્સ મોડી અને રદ, મુસાફરો પરેશાન

શનિવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર સ્પાઇસજેટની અનેક ફ્લાઇટ્સ ઓપરેશનલ સમસ્યાઓના કારણે પ્રભાવિત થઈ હતી. કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી, તો કેટલીક રદ થઈ, જેને લીધે સેંકડો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

દિલ્હી એરપોર્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મુસાફરોની માફી માંગી છે. એરપોર્ટના જણાવ્યા અનુસાર, ગ્રાઉન્ડ સ્ટાફ પ્રભાવિત મુસાફરોને જરૂરી સહાય પૂરી પાડી રહ્યો છે અને સ્પાઇસજેટ સાથે મળીને કામ કરી રહ્યો છે. જોકે, ઓપરેશનલ સમસ્યાઓ અંગે સ્પાઇસજેટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

છેલ્લા કેટલાક દિવસોમાં સ્પાઇસજેટની ફ્લાઇટ્સમાં વારંવાર વિલંબની ઘટનાઓ સામે આવી છે. 15 સપ્ટેમ્બરે દિલ્હીથી દુબઈ જતી બે ફ્લાઇટ્સ કલાકો સુધી મોડી થઈ હતી. તેમાંથી એક ફ્લાઇટ લગભગ 30 કલાક અને બીજી લગભગ 19 કલાક મોડી રવાના થઈ હતી. આ દરમિયાન લગભગ 200 મુસાફરોએ એરપોર્ટ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સ્પાઇસજેટ છેલ્લા ઘણા સમયથી નાણાકીય અને ઓપરેશનલ પડકારોનો સામનો કરી રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ 3 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે સરકાર એરલાઇનની કામગીરી અને નાણાકીય સ્થિતિ અંગે સતત વાતચીત કરી રહી છે. તેમણે કહ્યું કે સ્પાઇસજેટને ફ્લાઇટ્સની સંખ્યા વધારવા માટે કહેવામાં આવ્યું છે અને એરલાઇને ટૂંક સમયમાં સુધારો કરવાની ખાતરી આપી છે. મંત્રીના જણાવ્યા મુજબ, સ્પાઇસજેટે સરકાર પાસે વધારાની નાણાકીય મદદ માંગી નથી, પરંતુ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) હેઠળ ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ યોજનામાં સરકાર બેંકો પાસેથી લેવાતી લોન પર ગેરંટી આપે છે, જેથી કંપનીઓને લોન મળવી સરળ બને છે. એરલાઇન્સ પર વધતી એટીએફ કિંમતો, એરસ્પેસ બંધ રહેવું, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ઘટાડો અને વિમાનોનો ઓછો ઉપયોગ જેવા કારણોસર નાણાકીય દબાણ વધ્યું છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મે મહિનામાં ભારતીય એરલાઇન્સ માટે ECLGS 5.0ને મંજૂરી આપી હતી.

સમયસર ઉડાનના મામલે સ્પાઇસજેટનો આ વર્ષનો રેકોર્ડ મોટી એરલાઇન્સની સરખામણીમાં નબળો રહ્યો છે. જુલાઈમાં એરલાઇનની માત્ર 34.5% ફ્લાઇટ્સ નિર્ધારિત સમયે ઉડી હતી. જુલાઈમાં સ્પાઇસજેટનો સ્થાનિક બજાર હિસ્સો 1.6% રહ્યો, જે જૂનમાં 1.9% હતો. એટલે કે એક મહિનામાં હિસ્સો 0.3 ટકા પોઇન્ટ ઘટ્યો. જુલાઈમાં એરલાઇને આશરે 1.87 લાખ મુસાફરોને સફર કરાવી. આ જ સમયગાળામાં ઈન્ડિગોનો હિસ્સો 67.4%, એર ઈન્ડિયા ગ્રુપનો 24% અને અકાસા એરનો 5.5% રહ્યો.