સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ-દુબઈ સ્પાઈસજેટ ફ્લાઈટ સતત બીજા દિવસે રદ, મુસાફરો પરેશાન

અમદાવાદ-દુબઈ સ્પાઈસજેટ ફ્લાઈટ સતત બીજા દિવસે રદ, મુસાફરો પરેશાન

દુબઈ એરપોર્ટ પર બાકી લેણાંની ચુકવણી ન થવાને કારણે સ્પાઈસજેટની અમદાવાદ-દુબઈ ફ્લાઈટ સતત બીજા દિવસે રદ કરવામાં આવી છે. આ કારણે દિવાળી વેકેશન માટે દુબઈ જવા ઈચ્છતા ગુજરાતના મુસાફરોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

દુબઈ એરપોર્ટ ઓથોરિટી અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી 'દનાતા' (dnata)ના અંદાજે 14 મિલિયન યુએઈ દિરહામ (લગભગ રૂ. 35.85 કરોડ) બાકી લેણાં ન ચૂકવાતાં સ્પાઈસજેટની ચેક-ઈન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. 13 ઓક્ટોબરથી કોઈ ચુકવણી ન થઈ હોવાનું જણાવી દુબઈ એરપોર્ટ દ્વારા આ કડક પગલું લેવામાં આવ્યું છે, જેની સીધી અસર ભારત-દુબઈ વચ્ચેની ફ્લાઈટ્સ પર પડી છે.

આજે (13 નવેમ્બર) સવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી દુબઈ જતી સ્પાઈસજેટની ફ્લાઈટ અચાનક રદ કરવામાં આવી હતી. આ નિર્ણયને કારણે મુસાફરો અને એરલાઇનના કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વીડિયોમાં કર્મચારીએ જણાવ્યું હતું કે, આજની અને વહેલી સવારની પાંચ વાગ્યાની ફ્લાઇટ પણ સંપૂર્ણપણે રદ થઈ ગઈ છે અને મુસાફરો પાસે માત્ર રિફંડ લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. કસ્ટમર સપોર્ટમાં ઈમેલ કરવાની કર્મચારીની સલાહ સાંભળીને મુસાફરો રોષે ભરાયા હતા.

મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે, એરલાઇનના સ્ટાફ દ્વારા 'માત્ર 10 મિનિટ' અને 'અડધો કલાક' કહીને તેમને વહેલી સવારના પાંચ વાગ્યાથી બપોર સુધી એરપોર્ટ પર બેસાડી રાખવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ લેવલ પર હાજર કર્મચારીએ પોતે એકલા હોવાનું અને નિર્ણય લેવાની સત્તા પોતાના હાથમાં ન હોવાનું જણાવતા મુસાફરો વધુ ઉશ્કેરાયા હતા.

બીજા એક વીડિયોમાં મુસાફરે કહ્યું હતું કે, અમે ગઈકાલે રાતના 12 વાગ્યાથી એરપોર્ટ પર છીએ, પરંતુ એરલાઈન કે ટર્મિનલ મેનેજમેન્ટ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. મુસાફરોએ ફરિયાદ કરી છે કે ટર્મિનલ મેનેજર કે અન્ય કોઈ જવાબદાર અધિકારી ઘટનાસ્થળે આવવાની તસ્દી પણ લઈ રહ્યા નથી અને વારંવાર ફોન કરવા છતાં કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

તહેવારોની સીઝનમાં છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થવાને કારણે અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, જેના પગલે સમગ્ર પરિસરમાં રોષ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી રાહ જોઈ રહેલા મુસાફરોની ધીરજ ખૂટતાં તેમણે વહીવટીતંત્રની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી આક્ષેપ કર્યો હતો કે માત્ર ઔપચારિક ફરિયાદ નોંધાવવાનું કહીને સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવતો નથી.

આખરે કંટાળીને મુસાફરોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી મીડિયાના માધ્યમથી એરપોર્ટ સત્તાધીશોની નિષ્ક્રિયતા ઉજાગર કરી હતી, જ્યારે બીજી તરફ એરલાઈન દ્વારા સંબંધિત ઓથોરિટી સાથે મળીને આ વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જણાવાયું છે.