સત્ય. સાહસ. સંકલ્પ.

અંતરિક્ષમાં લંચ કેવી રીતે બને છે? ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ બતાવ્યું

અંતરિક્ષમાં લંચ કેવી રીતે બને છે? ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ બતાવ્યું

જ્યારે અવકાશયાત્રીઓ પૃથ્વીથી સેંકડો માઈલ દૂર અંતરિક્ષમાં હોય છે, ત્યારે તેઓ શું ખાય છે અને તેમનું ભોજન કેવી રીતે તૈયાર થાય છે? ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ સવાલનો જવાબ આપ્યો છે.

તેમણે બતાવ્યું કે સ્પેસ સ્ટેશન 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અંતરિક્ષમાં ફરી રહ્યું હોય ત્યારે પણ લંચ કેવી રીતે તૈયાર થાય છે. વીડિયોમાં તેમણે પોતાની મનપસંદ વાનગી ‘મેંગો સલાડ’ બનાવીને બતાવી છે.

સ્પેસ સ્ટેશનમાં ભોજન પૃથ્વી પરના સામાન્ય રસોડાની જેમ બનતું નથી. અહીં ખોરાક અલગ-અલગ સ્વરૂપમાં મોકલવામાં આવે છે — જેમ કે ડીહાઈડ્રેટેડ (પાણી શોષી લીધેલું), ફ્રીઝ-ડ્રાઈડ અને થર્મલી સ્ટેબિલાઈઝ્ડ.

મેંગો સલાડ બનાવવા માટે તેમણે એક ખાસ મશીનનો ઉપયોગ કર્યો, જે ફૂડ પેકેટની અંદર ચોક્કસ માત્રામાં ઠંડુ પાણી ભરે છે. પાણી ભરાયા બાદ પેકેટને થોડીવાર એમ જ રહેવા દેવામાં આવે છે, જેથી સૂકાયેલો ખોરાક ફરી પાણી શોષીને મૂળ સ્વરૂપમાં આવી જાય. ત્યારબાદ પેકેટને બરાબર મિક્સ કરવામાં આવે છે.

ઠંડુ ખાવું હોય તો તેને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં બનેલા ખાસ ફ્રિજમાં રાખી શકાય છે, અથવા ગરમ કરવું હોય તો ફૂડ વોર્મરમાં ગરમ કરી શકાય છે. શુભાંશુ શુક્લાએ સ્પષ્ટ કર્યું કે સ્પેસ સ્ટેશનમાં પૃથ્વીના રસોડાની જેમ માઈક્રોવેવ હોતો નથી.

સૌથી મોટો પડકાર

અંતરિક્ષમાં ભોજન બનાવવા અને ખાવા પાછળનો સૌથી મોટો પડકાર ગુરુત્વાકર્ષણનો અભાવ છે. પૃથ્વી પર ખાવાની વસ્તુ હાથમાંથી છૂટી જાય તો તે પ્લેટમાં કે જમીન પર પડે છે. પરંતુ સ્પેસમાં ઝીરો-ગ્રેવિટી (માઈક્રોગ્રેવિટી) હોવાને કારણે ખોરાકના નાના ટુકડા કે કણ હવામાં તરવા લાગે છે.

હવામાં તરતા આ સૂક્ષ્મ ટુકડા આસપાસ ઉડીને સ્પેસ સ્ટેશનના સંવેદનશીલ અને મોંઘા સાધનોની અંદર ઘૂસી શકે છે, જે મોટો અકસ્માત સર્જી શકે છે. આ જ કારણ છે કે અંતરિક્ષમાં નાની વસ્તુ ખાવા માટે પણ ખૂબ સાવધાની, આધુનિક ટેકનોલોજી અને ધીરજની જરૂર પડે છે.