દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ માટે તેની પ્લેઇંગ-11 જાહેર કરી છે. આ મુકાબલો ગુરુવારથી ડરબનમાં રમાશે.
ઝડપી બોલર કાગિસો રબાડા ઈજામાંથી સાજા થવાની પ્રક્રિયામાં હોવાથી ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. એનરિક નોર્કિયા 2023 પછી પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે.
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની પ્રથમ ટેસ્ટ ડરબનમાં રમાશે. બીજી ટેસ્ટ ગકેબેરહા અને છેલ્લી મેચ કેપ ટાઉનમાં રમાશે. સિરીઝની ત્રણેય મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલ માટે મહત્વપૂર્ણ છે. બંને ટીમ મજબૂત શરૂઆત કરીને સિરીઝમાં લય મેળવવા ઇચ્છશે.
દક્ષિણ આફ્રિકાએ પહેલી ટેસ્ટ માટે અનુભવ અને યુવા પ્રતિભાથી સંતુલિત ટીમ પસંદ કરી છે. ટેમ્બા બાવુમા ટીમની કેપ્ટનશીપ કરશે. એડન માર્કરમ, રાયન રિકેલ્ટન, ડેવિડ બેડિંગહામ અને ટ્રિસ્ટન સ્ટબ્સ બેટિંગને મજબૂતી આપશે. વિયાન મુલ્ડર અને માર્કો યાન્સેન ઓલરાઉન્ડ વિકલ્પ તરીકે ટીમને સંતુલન આપશે. કાઈલ વેરેઇન વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે.
બોલિંગમાં કેશવ મહારાજ અને સાયમન હાર્મરની સ્પિન જોડી હશે. તેમની સાથે એનરિક નોર્કિયા અને માર્કો યાન્સેન ઝડપી બોલિંગની કમાન સંભાળશે. રબાડા આ વર્ષે મેના અંતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુજરાત ટાઇટન્સ માટે રમ્યા બાદથી કોઈપણ સ્તરે રમ્યો નથી.
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ-11: એડન માર્કરમ, રાયન રિકલ્ટન, ડેવિડ બેડિંગહમ, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિયાન મુલ્ડર, કાઇલ વેરેઇન, માર્કો યાન્સેન, સાયમન હાર્મર, કેશવ મહારાજ અને એનરિક નોર્કિયા.