સત્ય. સાહસ. સંકલ્પ.

દક્ષિણ આફ્રિકામાં બે મોટા ગોળીબાર, 27ના મોત અને 26 ઘાયલ

દક્ષિણ આફ્રિકામાં બે મોટા ગોળીબાર, 27ના મોત અને 26 ઘાયલ

દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉન અને જોહાનિસબર્ગ શહેરમાં અલગ-અલગ થયેલા ગોળીબારની બે ઘટનાઓમાં કુલ 27 લોકોના મોત થયા છે અને 26 લોકો ઘાયલ થયા છે. પોલીસ આ હુમલાઓને અંજામ આપનારા બંદૂકધારીઓની શોધમાં છે, પરંતુ અત્યાર સુધી કોઈની ધરપકડ થઈ નથી કે હુમલાનો હેતુ પણ સ્પષ્ટ થયો નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, જોહાનિસબર્ગના ગૌતેંગ વિસ્તારમાં આવેલા વેડેલા ટાઉનશિપમાં શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ગોળીબાર થયો હતો. જ્યારે કેપ ટાઉનના લ્વાંડલે વિસ્તારમાં રવિવારે સવારે ગોળીબાર થયો હતો. જોહાનિસબર્ગમાં થયેલા ગોળીબારનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાય છે કે ગોળીબાર પહેલા લોકો બારમાં પાર્ટી કરી રહ્યા હતા. હુમલાખોરો AK-47 રાઇફલ લઈને આવ્યા અને અંધાધૂંધ ગોળીબાર કરી દીધો.

ન્યૂઝ વેબસાઇટ 'ધ સાઉથ આફ્રિકા' મુજબ, છેલ્લા એક વર્ષમાં એટલે કે 27 સપ્ટેમ્બર 2025 થી 26 સપ્ટેમ્બર 2026 સુધીમાં માસ શૂટિંગની 21 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં કુલ 140 થી વધુ લોકોના મોત થયા છે.

પોલીસના જણાવ્યા મુજબ, જોહાનિસબર્ગમાં 8 અજ્ઞાત હુમલાખોરો બારમાં પહોંચ્યા અને બહાર બેસીને દારૂ પી રહ્યા હતા તે લોકો પર ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ હુમલાખોરો બારની અંદર ઘૂસ્યા અને ત્યાં હાજર લોકો પર પણ ફાયરિંગ કર્યું. ગોળીબારનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે જણાવ્યું કે હુમલાખોરો પાસે AK-47 રાઇફલ ઉપરાંત પિસ્તોલ પણ હતી. ગોળીબાર બાદ હુમલાખોરોએ કેટલાક લોકોની તલાશી લીધી અને તેમના મોબાઇલ ફોન પણ ઝૂંટવી લીધા. આ પછી તેઓ બે અજ્ઞાત ગાડીઓમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. રવિવાર સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી.

દક્ષિણ આફ્રિકામાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક છે. પોલીસના તાજા આંકડા મુજબ, જાન્યુઆરીથી માર્ચ વચ્ચે દક્ષિણ આફ્રિકામાં દરરોજ સરેરાશ 58 લોકોની હત્યા થઈ છે, જેમાં બંદૂકો વડે કરવામાં આવેલી હત્યાઓ પણ સામેલ છે. દેશમાં જાહેર સુરક્ષા સુધારવા અંગે સરકાર પર સતત દબાણ વધી રહ્યું છે.