સત્ય. સાહસ. સંકલ્પ.

દક્ષિણ આફ્રિકામાં બે ગોળીબાર, 27ના મોત

દક્ષિણ આફ્રિકામાં બે ગોળીબાર, 27ના મોત

દક્ષિણ આફ્રિકામાં બે અલગ-અલગ ગોળીબારની ઘટનાઓમાં 27 લોકોના મોત થયા છે. આ ઘટનાઓ દેશના બે મોટા શહેરો નજીક બની છે. પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે જોહાનિસબર્ગની દક્ષિણ-પશ્ચિમમાં આવેલી વેડેલા ટાઉનશિપના એક બારમાં લોકો સંગીત અને પીણાંનો આનંદ માણી રહ્યા હતા. તે સમયે AK-47 રાઇફલ અને પિસ્તોલથી સજ્જ હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ ઘટનામાં 17 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

બીજી ઘટના રવિવારે વહેલી સવારે આશરે 1 વાગે કેપ ટાઉન નજીક આવેલા લવાંડલે વિસ્તારમાં બની હતી. અહીં એક સ્ટોર પર થયેલા ગોળીબારમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાઓના થોડા દિવસો પહેલા જ ડરબન શહેર નજીક એક હાઉસ પાર્ટીમાં થયેલા ગોળીબારમાં સગર્ભા મહિલા સહિત 11 લોકોના મોત થયા હતા.

સાઉથ આફ્રિકન પોલીસ સર્વિસના જણાવ્યા મુજબ, હુમલો કોણે અને કયા કારણોસર કર્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. બંને બનાવોમાં એકથી વધુ હુમલાખોરો સંકળાયેલા હોવાના પ્રાથમિક અહેવાલો છે. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને આરોપીઓને ઝડપી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

🕐 આ ઘટનાના અગાઉના અહેવાલ

27 Sep 2026, 06:14 PM દક્ષિણ આફ્રિકામાં બે મોટા ગોળીબાર, 27ના મોત અને 26 ઘાયલ