નામિબિયા T20 ટ્રાઇ સિરીઝની ચોથી મેચમાં સાઉથ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને 43 રનથી હરાવ્યું છે. આ જીત સાથે સાઉથ આફ્રિકા ફાઇનલની નજીક પહોંચી ગયું છે. ટીમે ત્રણ મેચમાં 4 પોઇન્ટ મેળવીને પોઇન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લુઆન-ડ્રે પ્રિટોરિયસના 94 રનની મદદથી ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 185 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 17.4 ઓવરમાં 142 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઓપનર લુઆન-ડ્રે પ્રિટોરિયસે માત્ર 51 બોલમાં 94 રનની ઇનિંગ રમી હતી, જેમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે ડેવાલ્ડ બ્રેવિસ સાથે મળીને બીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી હતી. ઝિમ્બાબ્વે તરફથી વેસ્લી મધેવેરે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 10મી ઓવર સુધીમાં 66 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન સિકંદર રઝાએ સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. ન્યુમેન ન્યામહુરીએ 27, ઇનોસન્ટ કાયાએ 18 અને બ્રાયન બેનેટે 11 રન બનાવ્યા હતા.
સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન બ્યોર્ન ફોર્ટુઇને 24 રન આપીને 4 વિકેટ લીધી હતી, જ્યારે ડુઆન યાન્સેને 3 વિકેટ ઝડપી હતી.
સિરીઝની ત્રણ મેચ બાકી છે. ગુરુવારે ઝિમ્બાબ્વેનો સામનો યજમાન નામિબિયા સામે થશે, જ્યારે શુક્રવારે સાઉથ આફ્રિકા અને નામિબિયા વચ્ચે મુકાબલો થશે. ત્યારબાદ 6 સપ્ટેમ્બરે ટોચની બે ટીમો વચ્ચે ફાઇનલ રમાશે.