સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ્સ અને 31 રનથી હરાવ્યું. આ સાથે ત્રણ મેચની સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાને ત્રણ વર્ષ બાદ ઇનિંગ્સના અંતરથી ટેસ્ટમાં હાર મળી છે. આ પહેલાં 2023માં ભારત સામે તેને ઇનિંગ્સથી હાર મળી હતી.
મેચના પહેલા બે દિવસ વરસાદને કારણે માત્ર 43 ઓવરની જ રમત થઈ શકી. ત્યારબાદ સાઉથ આફ્રિકાએ પ્રથમ ઇનિંગ્સમાં કેપ્ટન ટેમ્બા બાવુમાની સદીના આધારે 9 વિકેટે 425 રન બનાવ્યા અને ઇનિંગ્સ ડિક્લેર કરી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ માત્ર 99 રનમાં સમેટાઈ ગઈ.
ઓસ્ટ્રેલિયાને ફોલોઑન મળ્યો. બીજી ઇનિંગ્સમાં ટીમ મેચના પાંચમા દિવસે 295 રનમાં ઓલઆઉટ થઈ. ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે 121 રનની ઇનિંગ્સ રમી. આફ્રિકા માટે કાગિસો રબાડા અને માર્કો યાનસને મેચમાં 6-6 વિકેટ ઝડપી.
ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સની શરૂઆત ખરાબ રહી. નિક મેડિન્સન 8 રને આઉટ થયો. હેડ અને લાબુશેને ઇનિંગ્સ સંભાળી, પરંતુ લાબુશેન 39 રને, રેનશ 11 રને અને વેબસ્ટર 8 રને આઉટ થયા. હેડે સદી પૂરી કર્યા બાદ 209ના સ્કોર પર પાંચમી વિકેટ તરીકે વિકેટ ગુમાવી. સ્ટીવ સ્મિથ 3 રને આઉટ થયો. અંતે એલેક્સ કેરીએ 37 રન બનાવીને અણનમ રહ્યો. તેણે સ્કોટ બોલેન્ડ સાથે 31 અને મિચેલ સ્ટાર્ક સાથે 28 રનની ભાગીદારી કરી. જોશ હેઝલવુડના રૂપમાં ઓસ્ટ્રેલિયાની છેલ્લી વિકેટ પડી.
સાઉથ આફ્રિકા તરફથી કાગિસો રબાડાએ સૌથી વધુ 4 વિકેટ લીધી. વિયાન મુલ્ડરે 3, સિમોન હાર્મરે 2 અને માર્કો યાનસને 1 વિકેટ લીધી.
ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સમાં સ્ટીવ સ્મિથે સૌથી વધુ 28 રન બનાવ્યા, જ્યારે માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડે 14-14 રનની ઇનિંગ્સ રમી. સાઉથ આફ્રિકા માટે માર્કો યાનસને 5 વિકેટ ઝડપી. વિયાન મુલ્ડરે 2, કાગિસો રબાડાએ 2 અને એનરિક નોર્ટ્યાએ 1 વિકેટ લીધી.
સાઉથ આફ્રિકાએ પ્રથમ ઇનિંગ્સમાં મંગળવારે ત્રીજા દિવસે 9 વિકેટે 425 રન બનાવીને ઇનિંગ્સ જાહેર કરી હતી. કેપ્ટન ટેમ્બા બાવુમાએ 179 રનની શાનદાર ઇનિંગ્સ રમી. માર્કો યાનસને 85 અને સિમોન હાર્મરે 82 રનનું યોગદાન આપ્યું.