દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 67 રનથી હરાવ્યું છે. ગુરુવારે રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 297 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
દક્ષિણ આફ્રિકા તરફથી મેથ્યુ બ્રીટ્ઝકેએ સૌથી વધુ 112 રન બનાવ્યા. તેણે 106 બોલની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. માર્કો જેનસેને 59 બોલમાં 75 રન બનાવ્યા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 107 રન ઉમેરી ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી.
298 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે 36 બોલમાં 60 રન બનાવ્યા. ટ્રેવિસ હેડ સાથે તેમણે પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી. પરંતુ માર્શ આઉટ થયા બાદ ટીમ ધરાશાયી થઈ. હેડ 37 બોલમાં માત્ર 36 રન બનાવી શક્યો. મેટ રેનશોએ 44 રન બનાવ્યા.
દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજે 9.2 ઓવરમાં માત્ર 20 રન આપીને 4 વિકેટ લીધી, જેમાં બે મેડન ઓવર સામેલ હતી. કાર્બિન બોશ અને બ્યોર્ન ફોર્ટુઇને બે-બે વિકેટ લીધી.
ઓસ્ટ્રેલિયાએ છેલ્ટી ચાર વિકેટ માત્ર 15 રનમાં ગુમાવી દીધી. માર્શ અને હેડની શરૂઆત બાદ ટીમે બાકીના 101 રનમાં નવ વિકેટ ગુમાવી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી છે.