સત્ય. સાહસ. સંકલ્પ.

દક્ષિણ આફ્રિકામાં બાર પર અંધાધૂંધ ગોળીબાર: 17ના મોત, 8 હુમલાખોરો ફરાર

દક્ષિણ આફ્રિકામાં બાર પર અંધાધૂંધ ગોળીબાર: 17ના મોત, 8 હુમલાખોરો ફરાર

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેરમાં એક બારમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 17 લોકોનાં મોત થયાં છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 13 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટના જોહાનિસબર્ગના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા વેડેલા ટાઉનશિપમાં શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે બની હતી.

સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા મુજબ, ગોળીબાર પહેલાં લોકો બારમાં પાર્ટી કરી રહ્યા હતા. તે દરમિયાન 8 અજાણ્યા હુમલાખોરો AK-47 રાઇફલ અને પિસ્તોલ લઈને આવ્યા અને બહાર બેસીને દારૂ પી રહેલા લોકો પર ગોળીબાર શરૂ કર્યો. ત્યારબાદ તેઓ બારની અંદર ઘૂસી ગયા અને ત્યાં હાજર લોકો પર પણ ગોળીબાર કર્યો. ગોળીબારનું કારણ હજુ સામે આવ્યું નથી.

પોલીસના જણાવ્યા મુજબ, ગોળીબાર બાદ હુમલાખોરોએ કેટલાક લોકોની તલાશી લીધી અને તેમના મોબાઇલ ફોન છીનવી લીધા. ત્યારબાદ તેઓ બે અજાણી ગાડીઓમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. રવિવાર સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી. પોલીસે આરોપીઓની શોધ માટે મોટા પાયે અભિયાન શરૂ કર્યું છે.

આ ઘટના પહેલાં દક્ષિણ આફ્રિકાના ક્વા-મખુથા વિસ્તારમાં 4 દિવસ પહેલાં પણ સામૂહિક ગોળીબાર થયો હતો, જેમાં 12 લોકોનાં મોત થયાં હતાં.

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં પણ રવિવારે વહેલી સવારે લગભગ 1 વાગ્યે લ્વાંડલે વિસ્તારમાં એક દુકાન પર ગોળીબાર થયો હતો, જેમાં 10 લોકોનાં મોત થયાં છે. આ મામલે પણ હુમલાખોરો અને હુમલાનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે.