દિલ્હીમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીને લઈને ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. દિલ્હી પોલીસે અટકાયતમાં લીધેલા સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP)ના પ્રવક્તા સૌરવ દાસને મુક્ત કરવામાં આવ્યા છે. મુક્ત થતાં જ તેમણે આંદોલન વધુ તેજ કરવાનો સંકેત આપ્યો છે.
સૌરવ દાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે સરકારે દિલ્હીને કિલ્લામાં ફેરવી નાખ્યું છે. શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા નાગરિકો સામે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરવામાં આવી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવતા સૌરવ દાસે કહ્યું કે આ સરકારને ટકાવી રાખવામાં ચૂંટણી પંચના વડાની ભૂમિકા ખૂબ મહત્વની બની ગઈ છે. ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે દેશભરમાં અવાજ ઉઠી રહ્યો છે.
તેમણે ઉમેર્યું કે નાગરિકોના લોકતાંત્રિક અધિકારોને દબાવવા માટે બળપ્રયોગ અને ધાકધમકીનો જે ઉપયોગ થયો છે, તેનાથી શાસકોનો સાચો ચહેરો ખુલ્લો પડી ગયો છે. પરંતુ દેશની યુવા પેઢી અન્યાય સામે ચૂપ નહીં બેસે અને સરકાર પાસેથી જવાબદારી માંગતી રહેશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે અમે કોઈનાથી ડરવાના નથી કે પીછેહઠ કરવાના નથી. પોલીસ કાર્યવાહી બાદ અમે થોડા સમય માટે પાછળ હટ્યા હતા, પરંતુ હવે બમણી તાકાત અને નવા ઉત્સાહ સાથે મેદાનમાં પાછા ફરી રહ્યા છીએ.
બીજી તરફ, CJP સંગઠને જાહેરાત કરી છે કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પદ પરથી રાજીનામું નહીં આપે, ત્યાં સુધી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની ગેરરીતિઓ સામેનો વિરોધ ચાલુ રહેશે. સંગઠને રવિવારે સવારે 10 વાગ્યે જંતર-મંતર પર ફરી વિશાળ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.