સત્ય. સાહસ. સંકલ્પ.

સૌરવ દાસ અને આશુતોષ રાંકાને જામીન, અભિજિત દીપકે કહ્યું 'મારા ભાઈઓ હવે આઝાદ છે'

સૌરવ દાસ અને આશુતોષ રાંકાને જામીન, અભિજિત દીપકે કહ્યું 'મારા ભાઈઓ હવે આઝાદ છે'

દિલ્હીની વિશેષ કાર્યપાલક મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જંતર-મંતર ખાતે 14 ઓક્ટોબરે યોજાયેલા પ્રદર્શન સંબંધિત કેસમાં આ નિર્ણય આવ્યો છે.

કોર્ટમાં બંને નેતાઓને રજૂ કરવામાં આવ્યા હતા અને જામીનદારોના દસ્તાવેજો જમા કરાવ્યા બાદ તેમને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો. આ પહેલાં 14 ઓક્ટોબરે તેમને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, જે 19 ઓક્ટોબરે વધુ બે દિવસ માટે લંબાવવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે આ મામલે દખલ કરવાનો ઈનકાર કર્યો હતો અને SEM કોર્ટના નિર્ણયની રાહ જોવા જણાવ્યું હતું.

જામીન મળ્યા બાદ CJPના સ્થાપક અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું, 'મારા ભાઈઓ હવે આઝાદ છે.' આ પોસ્ટ સાથે તેમણે શાહરુખ ખાનની ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'નો એક ભાવનાત્મક વીડિયો પણ શેર કર્યો છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

બીજી તરફ, જેલમાંથી મુક્ત થયા બાદ સૌરવ દાસે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આખરે 'સત્યની જીત થઈ છે.'

ઉલ્લેખનીય છે કે, જંતર-મંતરને પ્રદર્શન સ્થળ તરીકે દૂર કરવામાં આવ્યા બાદ પણ ત્યાં પ્રવેશ કરવા અને શાંતિ જાળવવાના બોન્ડનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે બંને નેતાઓની અટકાયત કરી હતી.