બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ નેપાળના વિનાશક પૂરથી પ્રભાવિત લોકોને મદદ કરવા કાઠમંડુ પહોંચ્યા છે. તેમની સંસ્થા 'સૂદ ચેરિટી ફાઉન્ડેશન' ભારતમાંથી ધાબળા, કરિયાણું અને અન્ય જરૂરી સામાન લઈને આવી છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા સોનુ સૂદે જણાવ્યું કે તેમની ટીમ આગામી કેટલાક મહિનાઓ સુધી પીડિત પરિવારોને રાહત સામગ્રી મોકલતી રહેશે, જેથી તેઓ ફરીથી જીવનની શરૂઆત કરી શકે.
સોનુ સૂદે કહ્યું, 'અમે અહીં પૂર પીડિતોને મળવા આવ્યા છીએ. ભારતથી ઘણો સામાન, રાશન અને ધાબળા લાવ્યા છીએ. સંકટના સમયે જરૂરિયાતમંદો સાથે ઊભા રહેવું એ આપણી સૌની ફરજ છે.' તેઓએ પીડિત બાળકો સાથે પણ મુલાકાત કરી હતી.
નેપાળમાં આવેલા પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધી 939 લોકોના મોત થયા છે, જ્યારે 3,925 લોકો ગુમ છે. ગુમ થયેલા લોકોમાં 592 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. રસૂવા અને નુવાકોટ સહિત અનેક જિલ્લાઓમાં બચાવ કામગીરી ચાલુ છે.
ભારતીય દૂતાવાસે પૂરમાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિકોના મૃતદેહોની ઓળખ માટે પગલાં લીધા છે.
સોનુ સૂદ સામાજિક કાર્યોમાં લાંબા સમયથી સક્રિય છે. 2020માં કોરોના લોકડાઉન દરમિયાન તેમણે મુંબઈમાં ફસાયેલા હજારો પ્રવાસી મજૂરોને બસ, ટ્રેન અને ખાસ વિમાન દ્વારા તેમના ગૃહ રાજ્યોમાં પરત મોકલવામાં મદદ કરી હતી. આ ઉપરાંત, 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ભારત પાછા લાવવામાં પણ મદદ કરી હતી.