સત્ય. સાહસ. સંકલ્પ.

સોનુ નિગમનો વાયરલ વીડિયો નકલી: સલમાન ખાનની મજાક નહીં, પાકિસ્તાની બાળકીના ગાયન પર ભાવુક થયા હતા

સોનુ નિગમનો વાયરલ વીડિયો નકલી: સલમાન ખાનની મજાક નહીં, પાકિસ્તાની બાળકીના ગાયન પર ભાવુક થયા હતા

બોલિવૂડ ગાયક સોનુ નિગમનો એક એડિટ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનુ નિગમ ટીવી પર સલમાન ખાનનું ગીત 'મૈં હૂં હીરો તેરા' સાંભળીને માથું પકડીને મજાક ઉડાવતા હોય તેવું દેખાડવામાં આવ્યું છે. જોકે, સોનુ નિગમે આ વીડિયોને નકલી ગણાવ્યો છે અને સત્ય જાહેર કર્યું છે.

સોનુ નિગમે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટ કર્યું કે આ વીડિયો એડિટ કરેલો છે. તેમણે જણાવ્યું કે ઇન્ટરનેટ પર કંઈ પણ બતાવી શકાય છે, પરંતુ હકીકતમાં તેઓ કોઈની મજાક ઉડાવી રહ્યા નહોતા. વાસ્તવમાં, તેઓ એક પાકિસ્તાની બાળકીના ગાયનથી પ્રભાવિત થઈને ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.

સોનુ નિગમે જણાવ્યું કે સલમાન ખાન સાથે જોડીને શેર કરવામાં આવી રહેલો આ વીડિયો વર્ષ 2020નો છે. તે સમયે અભિનેતા જાવેદ જાફરીએ સોનુને નેસ્કેફે બેઝમેન્ટના ગીત 'બોલ હૂ'નો એક વીડિયો મોકલ્યો હતો, જેમાં નાની બાળકી હાદિયા હાશમીએ આલાપ ગાયો હતો. હાદિયાની ગાયકી સાંભળીને સોનુ એટલા ભાવુક થઈ ગયા હતા કે તેમની આંખો ભરાઈ આવી હતી. તે જ દરમિયાન તેમણે બાળકીની પ્રશંસા કરતો એક વીડિયો બનાવીને શેર કર્યો હતો. હવે કેટલાક લોકોએ એ જૂના વીડિયોને સલમાન ખાનના ટીવી પરના પરફોર્મન્સ સાથે એડિટ કરીને વાયરલ કરી દીધો છે.

સોનુ નિગમની આ સ્પષ્ટતાને ગાયક અનીશ મેથ્યુઝે પણ ટેકો આપ્યો છે. અનીશે કમેન્ટ કરીને કહ્યું કે તેમને સારી રીતે યાદ છે કે સોનુજીની આ પ્રતિક્રિયા 'નેસ્કાફે બેસમેન્ટ'ના ગીત 'બોલ હૂ'માં નાની બાળકી હાદિયા હાશમીના આલાપ પર હતી. અન્ય યુઝર્સે પણ લખ્યું કે ઇન્ટરનેટ પર વ્યૂઝ અને ટ્રોલિંગ માટે કોઈપણ વીડિયોનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર મામલો સલમાન ખાન ફિલ્મ્સ (SKF)ની એક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ શરૂ થયો હતો. ફિલ્મ 'હીરો'ને 10 વર્ષ પૂર્ણ થવા પર નિર્માતાઓએ સલમાન દ્વારા ગવાયેલા ગીત 'મૈં હૂં હીરો તેરા'ને લઈને એક પોસ્ટ શેર કરી હતી, જેમાં મ્યુઝિક કમ્પોઝર અમાલ મલિકનું નામ લખવામાં આવ્યું ન હતું. અમાલે સોશિયલ મીડિયા પર ક્રેડિટ ન મળવા બદલ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જોકે બાદમાં નિર્માતાઓએ પોસ્ટ એડિટ કરીને અમાલનું નામ સામેલ કરી લીધું હતું. પરંતુ ત્યાર બાદ સલમાનના ચાહકોએ અમાલ અને તેમના ભાઈ અરમાન મલિકને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.