સત્ય. સાહસ. સંકલ્પ.

સોનિયા ગાંધીની X પર પ્રથમ પોસ્ટ: કેમ્બ્રિજની રેસ્ટોરાંમાં રાજીવ સાથે પ્રેમની શરૂઆતની યાદો શેર કરી

સોનિયા ગાંધીની X પર પ્રથમ પોસ્ટ: કેમ્બ્રિજની રેસ્ટોરાંમાં રાજીવ સાથે પ્રેમની શરૂઆતની યાદો શેર કરી

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ શનિવારે X (અગાઉ ટ્વિટર) પર પોતાનું અકાઉન્ટ બનાવ્યું અને પહેલી પોસ્ટમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથેની પ્રેમકથાની શરૂઆતની યાદો શેર કરી છે. તેમણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ પોતાના આગામી પુસ્તક ‘Belonging: A Journey of Love’ વિશે વાત કરે છે. આ પુસ્તક 10 નવેમ્બરે લોન્ચ થશે.

સોનિયા ગાંધીએ જણાવ્યું કે જ્યારે તેઓ ઇંગ્લેન્ડમાં ભણવા ગયાં, ત્યારે તેમને પોતાની પસંદનું ભોજન મળે તેવી જગ્યા શોધવી હતી. તેમને કેમ્બ્રિજમાં એક ગ્રીક રેસ્ટોરાં મળ્યું, જ્યાં એક મિત્રએ પ્રથમ વખત રાજીવ ગાંધી સાથે તેમનો પરિચય કરાવ્યો. સોનિયાએ કહ્યું, “અહીંથી જ પ્રેમની શરૂઆત થઈ. અમે સાથે મળીને યાદોની એક દુનિયા બનાવી.”

તેમણે વધુમાં કહ્યું કે રાજીવને પહેલી વાર મળ્યા પછી તરત જ તેમને લાગ્યું કે તેઓ એવા વ્યક્તિ છે જેમની સાથે તેઓ જીવન વિતાવવા માંગે છે. બાદમાં તેમને જાણવા મળ્યું કે રાજીવ પણ એવું જ અનુભવતા હતા. તેઓ બંને મિત્રો બની ગયા અને પાર્ટીઓ, ફરવા જવા તથા વિદ્યાર્થીઓની બેઠકોમાં સાથે સમય પસાર કરતા. સોનિયાએ રાજીવને “ખૂબ સૌમ્ય સ્વભાવના અને સારા દેખાતા” વ્યક્તિ તરીકે વર્ણવ્યા.

પુસ્તકમાં સોનિયાએ ઇટાલીમાં વિતાવેલા બાળપણથી લઈને કેમ્બ્રિજમાં રાજીવ સાથેની મુલાકાત સુધીની સફરનું વર્ણન કર્યું છે. તેમાં નેહરુ-ગાંધી પરિવારમાં લગ્ન, સાસુ ઇન્દિરા ગાંધી સાથેની પ્રથમ મુલાકાત, ભારતમાં જીવન સાથે તાલમેલ બેસાડવા માટે હિન્દી શીખવી, સાડી પહેરવી અને ભારતીય ભોજન-સંસ્કૃતિ અપનાવવાનો સમાવેશ થાય છે.

આત્મકથામાં ગાંધી પરિવારને હચમચાવી નાખનારી દુર્ઘટનાઓનો પણ ઉલ્લેખ છે. જેમાં વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીનું મૃત્યુ, 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા અને 1991માં રાજીવ ગાંધીની હત્યાનો સમાવેશ થાય છે.

પુસ્તકમાં 2004ની લોકસભા ચૂંટણી પછીના રાજકીય ઘટનાક્રમનું પણ વર્ણન છે. તે ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધનની જીત થઈ હતી. ત્યારબાદ સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવાનો ઇનકાર કર્યો અને પાર્ટી તથા ગઠબંધનનું નેતૃત્વ કર્યું. કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન આગામી 10 વર્ષ સુધી દેશની સત્તામાં રહ્યું.

ઉલ્લેખનીય છે કે 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ પણ સોનિયા રાજકારણથી દૂર રહ્યાં. પી.વી. નરસિંહ રાવ વડાપ્રધાન બન્યા. 1996 સુધીમાં કોંગ્રેસ નબળી પડવા લાગી અને પાર્ટીમાં અનેક જૂથો બની ગયા. 1997માં કોંગ્રેસને એકજૂટ કરવા માટે સોનિયાએ પાર્ટીની પ્રાથમિક સભ્યતા લીધી. 62 દિવસ બાદ 1998માં તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. સોનિયા 2017 સુધી અધ્યક્ષ રહ્યાં, જે પાર્ટીના ઇતિહાસમાં સૌથી લાંબો કાર્યકાળ છે.

2004માં કોંગ્રેસે 14 સહયોગી પક્ષો સાથે UPAની રચના કરી. ચૂંટણી બાદ ડાબેરી પક્ષો સહિત અનેક પક્ષોના સમર્થનથી UPAને 335 સાંસદોનું સમર્થન મળ્યું. સહયોગીઓએ સોનિયા ગાંધીને વડાપ્રધાન બનાવવાનું સમર્થન કર્યું, પરંતુ તેમણે 18 મે 2004ના રોજ પદ ઠુકરાવી દીધું. ત્યારબાદ મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા. જોકે, NDAએ સોનિયાના વિદેશી નાગરિક હોવાનો મુદ્દો ઉઠાવીને તેમના વડાપ્રધાન બનવાનો વિરોધ કર્યો હતો. તેના કારણે સોનિયાએ વડાપ્રધાન પદ ઠુકરાવી દીધું અને મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. કહેવાય છે કે પડદા પાછળ રહીને સરકારની બાગડોર સોનિયાના હાથમાં જ હતી.

ડૉ. મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારુએ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ નામનું પુસ્તક લખ્યું હતું, જેના પર ફિલ્મ પણ બની હતી. તેમાં સોનિયા ગાંધીના વડાપ્રધાન પદ ઠુકરાવવાના નિર્ણયનો ઉલ્લેખ છે.