સત્ય. સાહસ. સંકલ્પ.

સોનિયા ગાંધી વોટર લિસ્ટ કેસ: દિલ્હી કોર્ટે મેજિસ્ટ્રેટનો જૂનો આદેશ રદ કર્યો, 29 સપ્ટેમ્બરે ફરી સુનાવણી

સોનિયા ગાંધી વોટર લિસ્ટ કેસ: દિલ્હી કોર્ટે મેજિસ્ટ્રેટનો જૂનો આદેશ રદ કર્યો, 29 સપ્ટેમ્બરે ફરી સુનાવણી

દિલ્હીની એક અદાલતે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને લગતા વોટર લિસ્ટ કેસમાં મેજિસ્ટ્રેટના જૂના આદેશને રદ કરી દીધો છે. આ કેસમાં આરોપ છે કે સોનિયા ગાંધીનું નામ 1980ની મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું, જ્યારે તેમને ભારતીય નાગરિકતા 1983માં મળી હતી.

ફરિયાદી વિકાસ ત્રિપાઠીનો દાવો છે કે, 1982માં નામ હટાવાયા બાદ 1983માં ફરીથી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું. તેમણે કથિત બોગસ દસ્તાવેજોના ઉપયોગનો આક્ષેપ કરીને FIR નોંધવાની માંગ કરી હતી. મેજિસ્ટ્રેટે અગાઉ આ માંગ ફગાવી દીધી હતી.

દ્વારકા કોર્ટના સ્પેશિયલ જજ વિશાલ ગોગનેએ નીચલી કોર્ટના આદેશને 'નોન-સ્પિકિંગ' ગણાવ્યો, એટલે કે એવો આદેશ જેમાં પૂરતા અને સ્પષ્ટ કારણો દર્શાવાયા નથી. કોર્ટના જણાવ્યા મુજબ, આદેશમાં તથ્યો અને કાનૂની પાસાઓ પર યોગ્ય વિચાર જોવા મળતો નથી.

કોર્ટે કહ્યું કે મેજિસ્ટ્રેટે એ નક્કી કરવાનું હતું કે ફરિયાદમાં કોગ્નિઝેબલ ગુનાના આક્ષેપો બને છે કે નહીં અને FIRની માંગ પર શું આદેશ આપવો જોઈએ. તેના બદલે જૂના આદેશમાં નાગરિકતાના મુદ્દા અને સંબંધિત સંસ્થાઓના ક્ષેત્રાધિકાર પર વધુ ધ્યાન જતું રહ્યું. અદાલતે એમ પણ કહ્યું કે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોને માત્ર એ આધારે ફગાવી શકાય નહીં કે તેમાં પૂરતી વિગતો નથી, જ્યાં સુધી સંબંધિત તથ્યો અને આક્ષેપો પર યોગ્ય રીતે વિચાર કરવામાં ન આવે.

કોર્ટે ખાસ કરીને એ વાત તરફ ધ્યાન દોર્યું કે જૂના આદેશમાં 1980, 1982 અને 1983ની મતદાર યાદીઓમાં સોનિયા ગાંધીના નામ ઉમેરાવા, હટાવવા અને ફરી ઉમેરાવાના ક્રમ પર પૂરતી ચર્ચા કરવામાં આવી નહોતી. અદાલતના જણાવ્યા અનુસાર, ફરિયાદમાં મૂકવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં રાખીને એ સ્પષ્ટ કરવું જરૂરી હતું કે આ ઘટનાક્રમનું કાનૂની મહત્વ શું છે, અને ફરિયાદને સંપૂર્ણપણે ફગાવી દેવાનો આધાર શું હતો.

કોર્ટે એમ પણ નોંધ્યું કે મેજિસ્ટ્રેટે સંબંધિત પોલીસ અધિકારીના રિપોર્ટ અને તપાસને યોગ્ય રીતે ધ્યાનમાં લીધા વિના આદેશ પસાર કર્યો હતો.

આથી સ્પેશિયલ જજે કેસને ફરીથી ACJM કોર્ટમાં મોકલી આપ્યો છે, જ્યાં 29 સપ્ટેમ્બરે નવેસરથી સુનાવણી થશે. કોર્ટે મેજિસ્ટ્રેટને સ્પષ્ટ કારણો સાથે નવો આદેશ પસાર કરવાનો નિર્દેશ આપ્યો છે.