કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું ખાતું ખોલ્યું છે અને પહેલી જ પોસ્ટમાં તેમણે પોતાના આગામી પુસ્તક 'Belonging: A Journey of Love'ની પહેલી ઝલક શેર કરી છે. તેમણે પુસ્તકનાં પાનાં ફેરવતો એક વીડિયો પોસ્ટ કર્યો છે.
વીડિયોમાં પુત્રી પ્રિયંકા ગાંધીની તસવીરોવાળું પાનું સામે આવતાં સોનિયા ગાંધીએ હસતાં કહ્યું, “Lots of pictures, Priyanka”. આ ક્ષણ વીડિયોની ખાસ બની ગઈ છે.
સોનિયા ગાંધીએ વીડિયો સાથે લખ્યું છે કે, “સૌને નમસ્કાર. તમારી સાથે 'Belonging: A Journey of Love'ની પહેલી ઝલક શેર કરતાં હું ખૂબ આભારી છું. આ પ્રેમ, જવાબદારી, વિયોગની વેદના અને પોતાની જગ્યા શોધવાની સફરની કહાણી છે. આ પુસ્તક તમારી સાથે શેર કરવાની હું આતુરતાથી રાહ જોઈ રહી છું.”
વીડિયોમાં પુસ્તકના પ્રકાશક હાર્પરકોલિન્સ તરફથી સોનિયા ગાંધીને પુસ્તકની ત્રણ નકલો ભેટમાં આપવામાં આવે છે. પ્રકાશક તેમને પુસ્તક માટે અભિનંદન આપે છે અને સોનિયા ગાંધી તેમનો આભાર માને છે. ત્યારબાદ તેમણે પાનાં ફેરવીને પુસ્તકમાં સમાવેલી તસવીરો નિહાળી હતી. આ પહેલી ઝલકમાંથી સોનિયા ગાંધીના જીવન અને પરિવાર સાથે જોડાયેલી યાદોની પણ ઝાંખી મળે છે.
આ પુસ્તકનું ટીઝર અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સોનિયા ગાંધીના જીવન અને ગાંધી પરિવાર સાથે જોડાયેલી તેમની સફરની ઝલક રજૂ કરવામાં આવી હતી. ટીઝર અનુસાર, સોનિયા મૈનો 18 વર્ષની ઉંમરે કેમ્બ્રિજમાં રાજીવ ગાંધીને મળ્યાં હતાં. ત્રણ વર્ષ પછી, 21 વર્ષની ઉંમરે તેઓ રાજીવ ગાંધી સાથે લગ્ન કરવા ભારત આવ્યાં હતાં.
ટીઝરમાં જણાવાયું હતું કે સોનિયાએ માત્ર લગ્નના દિવસે જ નહીં, પરંતુ ત્યારપછી પણ આ પરિવારનો હિસ્સો બનવાનું પસંદ કર્યું હતું. તેમણે પરિવાર વસાવ્યો અને બે બાળકોનો ઉછેર કર્યો. ધીમે-ધીમે ભારત તેમનું ઘર બન્યું.
ટીઝરમાં સોનિયા ગાંધીના જીવનમાં આવેલા વ્યક્તિગત દુઃખ અને અણધારી જવાબદારીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે 21 વર્ષની ઉંમરે તેમણે એવી જવાબદારીઓ સંભાળી હતી, જેની તેમણે કલ્પના પણ કરી નહોતી. પુસ્તકનો મુખ્ય સંદેશ એ છે કે પ્રેમથી શરૂ થયેલી આ સફર સમય જતાં એક પરિવાર અને પછી સમગ્ર દેશ સાથેના જોડાણની કહાણી બની ગઈ.
'Belonging: A Journey of Love'માં સોનિયા ગાંધીના જીવન, સંબંધો, જવાબદારીઓ અને પોતાની ઓળખ તથા સ્થાન શોધવાની સફર રજૂ કરવામાં આવી છે. પુસ્તકની પહેલી ઝલક શેર કરીને તેમણે વાચકોને આ અંગત સફરની એક ઝાંખી આપી છે.