સત્ય. સાહસ. સંકલ્પ.

1975ની ઈમરજન્સી મોટી ભૂલ હતી, ઈન્દિરા ગાંધીને પણ પછીથી અહેસાસ થયો: સોનિયા ગાંધી

1975ની ઈમરજન્સી મોટી ભૂલ હતી, ઈન્દિરા ગાંધીને પણ પછીથી અહેસાસ થયો: સોનિયા ગાંધી

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ 1975માં લાદવામાં આવેલી દેશવ્યાપી કટોકટી (ઈમરજન્સી)ને મોટી ભૂલ ગણાવી છે. તેમણે કહ્યું કે તત્કાલીન વડાપ્રધાન અને તેમના સાસુ ઈન્દિરા ગાંધીને પણ પાછળથી આ નિર્ણયની ભૂલનો અહેસાસ થયો હતો.

સોનિયા ગાંધીએ પોતાની આત્મકથા 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'ના વિમોચન પહેલાં આ વાત સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે ઈમરજન્સી લાદવાના નિર્ણય સમયે ગાંધી પરિવાર બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. તેમના પતિ રાજીવ ગાંધી આ કડક પગલાના વિરોધમાં હતા અને તેમણે ઈન્દિરા ગાંધીને આગામી ચૂંટણીઓ સુધી રાહ જોવા વિનંતી કરી હતી. બીજી તરફ, તેમના નાના ભાઈ સંજય ગાંધી આ નિર્ણયને પૂરો ટેકો આપી રહ્યા હતા.

સોનિયા ગાંધી લખે છે કે જો તે સમયે સંજય ગાંધી પર યોગ્ય નિયંત્રણ રાખવામાં આવ્યું હોત, તો દેશને થયેલું મોટું રાજકીય અને સામાજિક નુકસાન ટાળી શકાયું હોત.

તેમણે ઈન્દિરા ગાંધીને હૃદયથી લોકશાહીવાદી નેતા ગણાવ્યા અને કહ્યું કે ઈમરજન્સી દરમિયાન તેઓ મનથી સહજ નહોતા રહી શક્યા; આ નિર્ણય તેમના મન પર ભારે બોજ હતો. સોનિયાએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય માટે સંજય ગાંધી એકલા જવાબદાર નહોતા, પરંતુ જનતાની નજરમાં તેઓ જ ઈમરજન્સીના મુખ્ય સૂત્રધાર ગણાતા હતા. તેમના જણાવ્યા મુજબ, ઈન્દિરા ગાંધી પર કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓનું રાજકીય દબાણ હતું અને રાજીવ ગાંધી જેવા થોડા લોકો જ તેમની સાથે હતા જેમનો દ્રષ્ટિકોણ અલગ હતો.

સોનિયા ગાંધીએ કહ્યું કે ઈમરજન્સી હટાવાયા પછી જ તેની ગંભીરતા સમજાઈ. તે સમયે નાગરિકોના લોકશાહી અધિકારો છીનવાયા હતા અને 'હેબિયસ કોર્પસ'નો કાયદો નિલંબિત કરાયો હતો, પરંતુ આ બધું બંધારણીય ઢાંચામાં જ કરવામાં આવ્યું હતું. પાછળથી ઈન્દિરા ગાંધીએ સ્થિતિ સુધારી હતી અને ઈમરજન્સી દરમિયાન થયેલી ભૂલો માટે જાહેરમાં દુઃખ વ્યક્ત કરીને દેશવાસીઓની માફી માગી હતી.

આત્મકથામાં સોનિયા ગાંધીએ ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદના વિધ્વંસના દ્રશ્યો ટેલિવિઝન પર જોઈને પોતે રડી પડ્યા હોવાની ઘટના પણ શેર કરી છે. તેમણે કહ્યું કે તે દિવસે તેમને સમજાયું કે મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ અને તેમના સાથીદારોએ જે બિનસાંપ્રદાયિક ભારત માટે સંઘર્ષ કર્યો હતો, તેને બચાવવા માટે હવે લાંબો કાનૂની અને રાજકીય સંઘર્ષ કરવો પડશે. તેમણે કોંગ્રેસની આંતરિક નબળાઈઓ અને નિષ્ફળતાઓની પણ પ્રામાણિક સમીક્ષા કરી છે.