સત્ય. સાહસ. સંકલ્પ.

સોનિયા ગાંધીએ કેન્સરની સર્જરી માટે મુંબઈને નહીં, મિલાનને કેમ પસંદ કર્યું? આત્મકથામાં કર્યો ખુલાસો

સોનિયા ગાંધીએ કેન્સરની સર્જરી માટે મુંબઈને નહીં, મિલાનને કેમ પસંદ કર્યું? આત્મકથામાં કર્યો ખુલાસો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમની આત્મકથા 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ'માં ઘટસ્ફોટ કર્યો છે કે તેમણે 2010માં બ્રેસ્ટ કેન્સરની સર્જરી મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલને બદલે ઈટાલીના મિલાનની એક હોસ્પિટલમાં કરાવી હતી. આ નિર્ણય પાછળ સારવારની ગુણવત્તા કરતાં પોતાની પ્રાઇવસી અને બીમારીને રાજકીય રંગ અપાવાથી બચવાની ચિંતા હતી.

સોનિયા ગાંધી લખે છે કે તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટરો પર પૂરો વિશ્વાસ હતો અને તેમણે જ સર્જરીની સલાહ આપી હતી. પરંતુ સર્જરી ભારતમાં કરાવવી કે વિદેશમાં, એ અંગે તેમને ચિંતા હતી. તેમને લાગ્યું કે ભારતમાં સારવાર કરાવવાથી તેમની બીમારી અને સારવાર મીડિયામાં હેડલાઇન્સ બનશે અને તેને રાજકીય રંગ પણ અપાશે.

તેમણે લખ્યું છે, 'હું હંમેશા મારા અંગત જીવનને ખાનગી રાખવા માંગતી હતી. મારી બીમારીને મીડિયામાં ચર્ચાનો વિષય બનતી જોવી મારા માટે અત્યંત પીડાદાયક અને ગુસ્સો અપાવનારી હતી. શું સાર્વજનિક જીવનમાં હોવાનો અર્થ એ હતો કે મને થોડીક ગોપનીયતાનો પણ અધિકાર નહોતો?' આ માનસિક પીડા અને કેન્સરની શારીરિક પીડામાંથી બહાર આવવા માટે તેમણે આ નિર્ણય લીધો.

મિલાનની હોસ્પિટલ તેમના માટે એટલા માટે પણ અનુકૂળ હતી કારણ કે તેમની બહેનો નાદિયા અને અનૌશ્કા ત્યાં નજીક રહેતાં હતાં અને ગમે ત્યારે હોસ્પિટલ આવી શકતાં હતાં. સારવાર દરમિયાન પરિવારનો સાથ તેમના માટે ખૂબ મહત્વનો હતો.

ઉલ્લેખનીય છે કે આત્મકથામાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ, રાજીવ ગાંધી સાથેની મુલાકાત અને લગ્ન, સંજય ગાંધીનું અવસાન, ઈન્દિરા ગાંધીના કેટલાક કઠોર નિર્ણયો, તેમની હત્યા, રાજીવ ગાંધીનું વડા પ્રધાન બનવું અને તેમની હત્યા, પોતાનો રાજકારણમાં પ્રવેશ અને રાહુલ ગાંધીના રાજકીય પ્રવેશ જેવા ઘણા વિષયો પર ખુલીને વાત કરી છે. આ પુસ્તક ચર્ચાનો વિષય બન્યું છે, કેટલાક તેનું સ્વાગત કરી રહ્યા છે તો કેટલાક ટીકા પણ કરી રહ્યા છે.