સત્ય. સાહસ. સંકલ્પ.

કેન્સરની આશંકા સામે બે વાર લડ્યા સોનિયા ગાંધી, પુસ્તકમાં કર્યો ખુલાસો

કેન્સરની આશંકા સામે બે વાર લડ્યા સોનિયા ગાંધી, પુસ્તકમાં કર્યો ખુલાસો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાની આત્મકથા 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'માં જીવનના કઠિન તબક્કાઓનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે તેઓ બે વાર કેન્સરની આશંકા સામે લડ્યા છે. પ્રથમ 2010માં સ્તન કેન્સરની આશંકા હતી, અને બીજી 2011માં પેન્ક્રિયાસમાં ગાંઠ મળી હતી. બંને વખતે તેમણે ગુપ્ત સર્જરી કરાવી હતી.

2010માં સોનિયા ગાંધીને સ્તન કેન્સરની આશંકા જણાતાં ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. તેમણે લખ્યું છે કે ડોક્ટરો પર તેમને પૂરો વિશ્વાસ હતો, પણ તેમ છતાં તેઓ ડરી ગયા હતા અને ચિંતામાં હતા. તેમને અને તેમના બાળકોને જણાવવામાં આવ્યું હતું કે સમય ગુમાવવાની જરાય ગુંજાઇશ નથી. મનમાં ભયાનક પરિણામોના વિચારો આવવા લાગ્યા હતા.

પોતાની અંગત જિંદગી ગુપ્ત રાખવા માટે તેમણે મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર ન લેતાં ઇટાલીના મિલાનમાં ઓપરેશન કરાવવાનું પસંદ કર્યું. તેમને ડર હતો કે મીડિયા તેમની બીમારીની વિગતો ચગાવશે. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે પોતાની બીમારી વિશે મીડિયામાં ચર્ચા થવાનો વિચાર તેમને પીડાદાયક લાગતો હતો, બલ્કે ગુસ્સો આવતો હતો. જાહેર જીવનની વ્યક્તિ હોવાનો અર્થ એ નથી કે અંગતતાનો અધિકાર ન હોય.

ઇટાલીમાં વરિષ્ઠ અધિકારી, પુત્ર રાહુલ ગાંધી, પુત્રી પ્રિયંકા ગાંધી, જમાઈ રોબર્ટ વાડ્રા અને બહેનો નાદિયા તથા અનુષ્કાની હાજરીમાં ડૉ. ઉમ્બર્ટો વેરોનેસીની દેખરેખમાં ઓપરેશન થયું. સોનિયાએ યાદ કર્યું કે ઓપરેશન થિયેટર તરફ જતી વખતે રાહુલ અને પ્રિયંકાએ તેમનો હાથ પકડી લીધો અને કપાળ પર ચુંબન કરીને ભરોસો આપ્યો કે બધું સારું થઈ જશે. સર્જરીમાં શરીરમાંથી બે ટ્યુમર કાઢવામાં આવ્યા. તેમાંથી એકમાં કેન્સરની આશંકા નહોતી, પણ સાવચેતી માટે તેને પણ દૂર કરવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન જ રેડિયેશન ટ્રીટમેન્ટ આપવામાં આવી, જેથી પાંચ અઠવાડિયા સુધી દરરોજ રેડિયોથેરાપી કરાવવાની પીડામાંથી મુક્તિ મળી.

પહેલા ઓપરેશન પછી સાજા થવામાં લગભગ એક વર્ષ લાગ્યું. પરંતુ નિયમિત તપાસ દરમિયાન પેન્ક્રિયાસમાં બીજી ગાંઠ મળી આવી. આ સમગ્ર પરિવાર માટે મોટો આઘાત હતો. સોનિયા ગાંધીએ લખ્યું છે કે આ તેમના અને બાળકો માટે ભારે આંચકો હતો. આ કઠિન સમયમાં પરિવારનો સાથ અને રાજીવ ગાંધીની યાદોએ તેમને બળ આપ્યું હતું.