સત્ય. સાહસ. સંકલ્પ.

સોનિયા ગાંધીના પુસ્તકમાં 2002ના ગુજરાત રમખાણોનો ઉલ્લેખ, ભાજપે કહ્યું 'વ્હાઇટવોશિંગ'

સોનિયા ગાંધીના પુસ્તકમાં 2002ના ગુજરાત રમખાણોનો ઉલ્લેખ, ભાજપે કહ્યું 'વ્હાઇટવોશિંગ'

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીનું આત્મકથાત્મક પુસ્તક ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’ 10 નવેમ્બરે પ્રકાશિત થયું છે. આ પુસ્તકમાં તેમણે 2002ના ગુજરાત રમખાણો, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથેના મતભેદો અને અન્ય ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તક બજારમાં આવતાં જ ભાજપે તેના પર પ્રહારો શરૂ કર્યા છે અને તેને ‘વ્હાઇટવોશિંગ’ ગણાવ્યું છે.

પુસ્તકમાં સોનિયા ગાંધીએ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં લાગેલી આગનો ઉલ્લેખ કર્યો છે, જેમાં 59 લોકોના મોત થયા હતા. તેમણે લખ્યું છે કે આગનું કારણ હજુ વિવાદિત છે, પરંતુ તે પછી રાજ્યભરમાં હિંસા ફાટી નીકળી હતી અને મુસ્લિમોએ સૌથી વધુ સહન કરવું પડ્યું હતું.

સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે રમખાણો વખતે રાજ્ય વહીવટીતંત્ર નક્કર પગલાં લેવામાં નિષ્ફળ ગયું હતું. તેમણે ગુજરાત કોંગ્રેસના નેતાઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ વહીવટીતંત્ર તરફથી યોગ્ય જવાબ મળ્યો નહીં. તેમણે રમખાણો ભડકાવવા પાછળ ભાજપ, RSS અને બજરંગ દળના કટ્ટરપંથી જૂથોનો હાથ હોવાનો આરોપ પણ મૂક્યો છે.

રમખાણો પછી લોકસભામાં વિપક્ષના નેતા તરીકે સોનિયા ગાંધી સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ સાથે અમદાવાદ ગયા હતા. પુસ્તકમાં તેમણે લખ્યું છે કે ભાજપ સરકારે તેમને અનિચ્છાએ મુલાકાતની મંજૂરી આપી હતી અને અધિકારીઓના અહેવાલમાં પીડિતો પ્રત્યે માનવીય સહાનુભૂતિ નહોતી. રાહત શિબિરોની મુલાકાત વખતે તેમણે જોયેલા હૃદયદ્રાવક દૃશ્યોનું પણ તેમણે વર્ણન કર્યું છે.

આ પુસ્તકમાં તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે રમખાણો પછી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પર મોદીને પદ પરથી હટાવવા દબાણ હતું, પણ પક્ષના આંતરિક દબાણને કારણે તેમણે એમ કર્યું નહીં. આ ઘટનાની આંતરરાષ્ટ્રીય અસર પણ થઈ હતી અને 2005માં અમેરિકા, બ્રિટન તથા કેટલાક યુરોપિયન દેશોએ મોદીને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો.

ભાજપે આ પુસ્તકને ‘વ્હાઇટવોશિંગ’ ગણાવીને 1984ના શીખ વિરોધી રમખાણો અને 1975ની કટોકટીનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપથી રાજકારણ ગરમાયું છે.