કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીના સંસ્મરણ ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’નું 10 નવેમ્બરે વિમોચન થયું હતું. આ પુસ્તકમાં તેમણે ઇટાલીથી ભારત સુધરીની સફર, રાજીવ ગાંધી સાથે લગ્ન, સાસુ-પતિની હત્યા અને રાજકીય જીવનની અંગત યાદો લખી છે. પરંતુ એક તપાસમાં પુસ્તકમાં 55 તથ્યાત્મક અને સંદર્ભગત ભૂલો મળી આવી છે, જેમાં રાષ્ટ્રપતિના નામથી લઈને કારગિલ યુદ્ધ સુધીની ઘટનાઓનો સમાવેશ થાય છે.
તપાસમાં સૌથી પહેલી ભૂલ સંસદીય પ્રણાલીમાં મળી છે. સોનિયા ગાંધી લખે છે કે લોકસભાના સભ્યો ચૂંટાયેલા હોય છે જ્યારે રાજ્યસભાના સભ્યો નામાંકિત (નોમિનેટેડ) હોય છે. વાસ્તવમાં રાજ્યસભાના 238 સભ્યો રાજ્યની વિધાનસભાઓ દ્વારા પરોક્ષ રીતે ચૂંટાય છે. માત્ર 12 સભ્યો જ રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવે છે.
અન્ય ભૂલોમાં RSSની સ્થાપના 1921માં થઈ હોવાનું જણાવાયું છે, જ્યારે વાસ્તવમાં તે 1925માં નાગપુરમાં કે.બી. હેડગેવાર દ્વારા સ્થપાયું હતું. અહેમદ પટેલનું કોવિડ-19થી મૃત્યુ 2022માં થયું હોવાનું લખાયું છે, પરંતુ તેમનું અવસાન 25 નવેમ્બર 2020ના રોજ થયું હતું. 2002ના ગુજરાત રમખાણોના વર્ણનમાં અમદાવાદને રાજ્યની રાજધાની ગણાવાયું છે, જ્યારે 1970થી ગાંધીનગર રાજધાની છે. ગોધરા કાંડમાં સાબરમતી એક્સપ્રેસના ચાર કોચને આગ લગાવાઈ હોવાનું લખાયું છે, પરંતુ આગ S-6 કોચમાં લાગી હતી.
ચૂંટણીના આંકડાઓમાં પણ ગરબડ છે. પુસ્તકમાં 2014માં ભાજપે 282 બેઠકો જીતી હોવાનું સાચું લખાયું છે, પરંતુ NDAનો આંકડો 353 જણાવાયો છે. વાસ્તવમાં NDAએ 2014માં 336 બેઠકો જીતી હતી. 353નો આંકડો 2019ની ચૂંટણીનો છે. 1984ની ચૂંટણીમાં એક ફકરામાં કોંગ્રેસને 405 અને બીજા ફકરામાં 404 બેઠકો મળી હોવાનું જણાવાયું છે.
કારગિલ સંઘર્ષનું વર્ણન પણ ખોટું છે. પુસ્તકમાં કહેવાયું છે કે જ્યારે લદ્દાખી ભરવાડ તાશી નામગ્યાલે LoC પર પાકિસ્તાની ઘૂસણખોરોને જોયા ત્યારે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઇસ્લામાબાદમાં નવાઝ શરીફના મહેમાન બન્યા હતા. હકીકતમાં વાજપેયીની શાંતિ મુલાકાત 20-21 ફેબ્રુઆરી 1999માં લાહોરની હતી, જ્યારે નામગ્યાલે 3 મેના રોજ ઘૂસણખોરોને જોયા હતા. પુસ્તકમાં કારગિલમાં ભારતીય સૈનિકોએ 10 મહિનામાં વિસ્તાર પાછો મેળવ્યો હોવાનું જણાવાયું છે, જ્યારે સંઘર્ષ મે-જુલાઈ 1999 વચ્ચે ચાલ્યો હતો અને 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ ભૂલો પુસ્તકના સંપાદકો દ્વારા ઐતિહાસિક સામગ્રીની ચકાસણી પર પ્રશ્નો ઉભા કરે છે. જોકે પુસ્તકનું મુખ્ય મૂલ્ય સોનિયા ગાંધીની અંગત યાદોમાં રહેલું છે, પરંતુ રાજકીય અને ઐતિહાસિક વર્ણનમાં આટલી ભૂલો ગંભીર ચર્ચાનો વિષય બની છે.