સત્ય. સાહસ. સંકલ્પ.

સોનિયા ગાંધીનું પુસ્તક 'બિલોન્ગિંગ' લોન્ચ: રાજીવ સાથેની પ્રેમકથા અને મોદી સાથે મતભેદ

સોનિયા ગાંધીનું પુસ્તક 'બિલોન્ગિંગ' લોન્ચ: રાજીવ સાથેની પ્રેમકથા અને મોદી સાથે મતભેદ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના નવા પુસ્તક 'બિલોન્ગિંગ: એ જર્ની ઓફ લવ' દ્વારા પહેલી વાર પોતાના અંગત જીવન, રાજીવ ગાંધી સાથેના સંબંધો અને ભારતીય રાજકારણની સફર વિશે ખુલીને વાત કરી છે. આ પુસ્તક 10 નવેમ્બરે લોન્ચ થશે.

'ધ હિંદુ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે ઇટાલીથી ભારત આવ્યા બાદ તેમનું જીવન કેવી રીતે બદલાયું અને તેમણે ઇન્દિરા ગાંધી તથા રાજીવ ગાંધી પાસેથી શું શીખ્યું. તેમણે 2004માં વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર, ઇમરજન્સી, કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અને ભાજપ-આરએસએસની રાજનીતિ અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો.

સોનિયા ગાંધીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશના લોકતંત્ર અને સંસ્થાઓને ઘણું નુકસાન થયું છે. જોકે, તેમને વિશ્વાસ છે કે દેશના લોકો સુશાસનની વાપસીનું સ્વાગત કરશે. ભારતને લઈને મોદી અને તેમની વિચારસરણી અલગ છે. તેમણે ઉમેર્યું કે રાજીવ સાથેની મુલાકાતના 60 વર્ષ બાદ પણ તેઓ એ જ વ્યક્તિ છે, ફક્ત પહેલાં જેટલું હસતાં નથી.

પુસ્તક વિશે: સોનિયા ગાંધીએ કહ્યું કે બીજા લોકો દાયકાઓથી તેમની કહાની કહેતા રહ્યા છે, હવે તેમનો વારો છે. તેમને ખબર નહોતી કે તેમના જીવન પર 75થી વધુ પુસ્તકો લખાઈ ચૂક્યા છે. જોકે, તેમણે ક્યારેય પોતાના વિશે લખાયેલા પુસ્તકો વાંચવાની ઇચ્છા દર્શાવી નથી. રાજીવ અને તેમણે ઘણા સમય પહેલાં જ સમજી લીધું હતું કે તેમના વિશે લખાતું વાંચતા રહેવું વ્યર્થ છે. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે લાગ્યું કે હવે પોતાની કહાની જાતે કહેવી જોઈએ.

પુસ્તક લખવામાં કેટલો સમય લાગ્યો તે અંગે તેમણે કહ્યું કે આટલો લાંબો સમય વીતી ગયો છે કે શરૂઆત ક્યારે થઈ તે યાદ નથી. પહેલી વાર કંઈક લખવાનું એક દાયકાથી પણ પહેલાં શરૂ કર્યું હતું, પરંતુ ગંભીરતાથી લખવાનું લગભગ પાંચ વર્ષ પહેલાં જ શરૂ કર્યું. આ સિલસિલો સતત ચાલ્યો નહોતો. ક્યારેક શબ્દો અને વિચારો આપોઆપ આવતા, તો ક્યારેક કંઈપણ લખવું મુશ્કેલ બની જતું. આવા પ્રસંગોએ તેઓ નિરાશ થઈને હાથ ઊંચા કરી દેતાં હતાં.

પ્રેમકથા કે ફિલ્મી સ્ટોરી? સોનિયા ગાંધીએ કહ્યું કે આ માત્ર તેમના બંનેની પ્રેમકથા નથી. આ એ વાતની કહાની પણ છે કે કેવી રીતે રાજીવના પરિવાર અને તેઓ જે દેશ સાથે જોડાયેલા હતા, તે દેશ સાથે પ્રેમ થયો. ધીમે-ધીમે તેઓ પણ તે પરિવાર અને દેશનો ભાગ બની ગયાં. આ જ પ્રેમે તેમને જાહેર જીવનમાં આવવા પ્રેરિત કર્યાં. જ્યારે લાગ્યું કે એ લોકોના તમામ બલિદાનોનો હેતુ જોખમમાં મુકાઈ રહ્યો છે અને પક્ષ નબળો પડી રહ્યો છે, ત્યારે લાગ્યું કે કંઈક કરવું જ પડશે.

ઇન્દિરા અને રાજીવનો પ્રભાવ: જ્યારે તેઓ દુલ્હન તરીકે ભારત આવ્યાં, ત્યારે તેમને આ દેશ વિશે જરાય ખબર નહોતી. આજે તેઓ જે કંઈ છે અને ભારત વિશે જે કંઈ જાણે છે, તે બધું તેમણે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પાસેથી શીખ્યું છે. તેમની હિંમત, અન્યો પ્રત્યેની સંવેદનશીલતા, ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક ભારત પ્રત્યેનો વિશ્વાસ અને સૌથી વધુ પોતાની જવાબદારીઓ નિભાવવાની ભાવના તેમને હંમેશાં પ્રેરિત કરતી રહી છે. બંને માટે કર્તવ્ય સૌથી વધુ મહત્વપૂર્ણ હતું.