કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે છેલ્લાં 12 વર્ષમાં દેશની લોકશાહી વ્યવસ્થા, સામાજિક માળખા અને બંધારણીય સંસ્થાઓને ભારે નુકસાન થયું છે. જોકે, હવે સામાન્ય લોકોને પણ આ નુકસાનનો અહેસાસ થવા લાગ્યો છે અને વર્તમાન સ્થિતિને લઈને તેમનામાં બેચેની વધી રહી છે. સોનિયા ગાંધીએ આશા વ્યક્ત કરી કે સરકાર બદલાયા બાદ દેશમાં સુશાસનની વાપસી થશે, પરંતુ લોકશાહી સંસ્થાઓને ફરી મજબૂત બનાવવામાં સમય લાગશે. આ માટે તમામ રાજકીય પક્ષોએ સામૂહિક પ્રયાસો કરવા પડશે.
સોનિયા ગાંધીએ આ વાતો અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહી હતી. તેમની આગામી પુસ્તક ‘Belonging: A Journey of Love’ના પ્રકાશન પહેલાં આ ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે. હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા આ પુસ્તક 10 નવેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે. તેમાં તેમણે પોતાના અંગત જીવન, ભારત સાથેના જોડાણ, રાજકીય સફર, કોંગ્રેસ અને દેશની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે વિચારો રજૂ કર્યા છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે છેલ્લાં 12 વર્ષમાં દેશના લોકશાહી માળખા, સંસ્થાઓ અને સામાજિક તાણાવાણાને ઊંડું નુકસાન પહોંચ્યું છે. જોકે, હવે સામાન્ય લોકો આ નુકસાનને સમજવા લાગ્યા છે અને વર્તમાન પરિસ્થિતિને લઈને તેમની બેચેની વધી રહી છે. તેમના મતે, સરકાર બદલાયા બાદ પણ લોકશાહી વ્યવસ્થા અને સંસ્થાઓને પહેલાં જેવી સ્વસ્થ સ્થિતિમાં લાવવામાં સમય લાગશે. આ માટે તમામ રાજકીય પક્ષોએ ગંભીરતાથી સામૂહિક પ્રયાસો કરવા પડશે. આ પડકારો છતાં તેઓ દેશના ભવિષ્યને લઈને આશાવાદી છે. તેમને વિશ્વાસ છે કે લોકો દેશમાં ફરીથી સુશાસનની વાપસીને આવકારશે.
કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે સોનિયા ગાંધીએ પાર્ટીના સંઘર્ષ અને મજબૂતીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્રમાં વર્તમાન સરકાર આવ્યા પછીથી વિપક્ષને ચૂંટણી લડવા માટે સમાન તક મળી રહી નથી. સરકારનું તમામ સંસ્થાઓ, ખાસ કરીને ચૂંટણી પંચ પર સંપૂર્ણ નિયંત્રણ છે. મુખ્યધારાના મીડિયા પર પણ સરકારનો પ્રભાવ છે. આ ઉપરાંત રાજકીય સ્પર્ધાને પ્રભાવિત કરવા માટે ધનબળ અને ધર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આટલી મુશ્કેલીઓ છતાં કોંગ્રેસ સતત સંઘર્ષ કરી રહી છે. પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ અનેક પડકારો તથા દમનનો સામનો કર્યો છે. તેમ છતાં ગામડાંથી લઈને જિલ્લા સ્તર સુધીના કાર્યકરો બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોની રક્ષા માટે મક્કમતાથી ઊભા છે. સોનિયા ગાંધીના જણાવ્યા અનુસાર, તાજેતરના મહિનાઓમાં અનેક ચૂંટણીઓમાં ગેરરીતિ અને ચૂંટણી ચોરીના મુદ્દા સામે આવ્યા છે, જેના કારણે લોકો પહેલાં કરતાં વધુ જાગૃત બન્યા છે.
વિપક્ષી એકતા અને કોંગ્રેસની રાજકીય સંભાવનાઓ અંગે સોનિયા ગાંધીએ કહ્યું કે પાર્ટી સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે મળીને કામ કરી રહી છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં કોંગ્રેસે જે રીતે પોતાને સંભાળી છે તે તેની મજબૂતી દર્શાવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પાર્ટીની રાજકીય સંભાવનાઓ દિવસેને દિવસે વધુ સારી બની રહી છે.
રાજકીય ગઠબંધન અંગે સોનિયા ગાંધીએ કહ્યું કે રાજકારણમાં ઘણી વખત સમજૂતી કરવી જરૂરી બની જાય છે. કેટલીક પરિસ્થિતિઓમાં કોંગ્રેસની વિચારધારાથી અલગ વિચારધારા ધરાવતા પક્ષો સાથે પણ સમજૂતી કરવી પડે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ અને RSS સાથે ક્યારેય સમજૂતી કરવામાં આવશે નહીં.