સત્ય. સાહસ. સંકલ્પ.

સોનિયા ગાંધીના પુસ્તક પર તેલુગુ ફિલ્મ, રેવંત રેડ્ડી કરશે શૂટિંગની શરૂઆત

સોનિયા ગાંધીના પુસ્તક પર તેલુગુ ફિલ્મ, રેવંત રેડ્ડી કરશે શૂટિંગની શરૂઆત

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીના જીવન પર આધારિત તેલુગુ ફીચર ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ તેમની આત્મકથા ‘બિલોંગિંગ: અ જર્ની ઑફ લવ’ પર આધારિત હશે, જે 10 નવેમ્બરે પ્રકાશિત થઈ હતી.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જગ્ગા રેડ્ડીએ ગુરુવારે પાર્ટી કાર્યકરોની બેઠકમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી. તેમણે ફિલ્મ નિર્માણ માટે કાર્યકર્તાઓ પાસેથી આર્થિક સહયોગ માંગ્યો અને પ્રારંભિક કામગીરી સંભાળવા માટે 50 સભ્યોની સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો.

જગ્ગા રેડ્ડીએ કાર્યકર્તાઓને ફંડ એકત્ર કરવાની અપીલ કરતાં કહ્યું કે ચૂંટણીમાં ખર્ચ કરવામાં આવે છે તેમ આ ફિલ્મને પણ ખર્ચ ગણો, સારા દિગ્દર્શક પસંદ કરો અને બજેટ તૈયાર કરો. તેમની અપીલ પર કોંગ્રેસ સંયોજક જુલકાંતિ અંજનેયુલુએ ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી. પ્રારંભિક નિર્માણ કાર્યની દેખરેખ ગાંધી ભવનના જનસંપર્ક અધિકારી કરશે.

રેડ્ડીએ જણાવ્યું કે તૈયારીઓ પૂર્ણ થયા બાદ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી શૂટિંગનો ઔપચારિક પ્રારંભ કરશે.

ફિલ્મમાં સોનિયા ગાંધીના ગાંધી પરિવાર સાથેના જોડાણથી લઈને દેશના મુખ્ય રાજકીય નેતા બનવા સુધીના વિવિધ પડાવો દર્શાવવામાં આવશે. આમાં ઇન્દિરા ગાંધીની વહુ, રાજીવ ગાંધીની પત્ની અને રાહુલ તથા પ્રિયંકા ગાંધીની માતા તરીકેના તેમના જીવનને દર્શાવવામાં આવશે. ઇન્દિરા અને રાજીવ ગાંધીની હત્યા પછીના મુશ્કેલ સમય, બાળકોના ઉછેર અને રાજકીય જવાબદારીઓ સંભાળવાના પડકારોને પણ સામેલ કરવામાં આવશે.

ફિલ્મમાં સોનિયા ગાંધીના તે નિર્ણયને વિશેષ મહત્વ આપવામાં આવશે, જ્યારે તક હોવા છતાં તેમણે વડાપ્રધાન પદ સ્વીકાર્યું નહોતું. રેડ્ડીએ જણાવ્યું કે રાજીવ ગાંધીની હત્યા બાદ પી.વી. નરસિંહ રાવ વડાપ્રધાન બન્યા અને સોનિયાએ પદ માટે દાવો કર્યો નહોતો. પછી યુપીએ સરકારની રચના સમયે પણ પક્ષના નેતાઓના આગ્રહ છતાં તેમણે પદ ઠુકરાવીને ડૉ. મનમોહન સિંહને વડાપ્રધાન બનાવ્યા. આ ઉપરાંત ગ્રામીણ રોજગાર માટે મનરેગા (MGNREGA) યોજના લાવવામાં સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને રાહુલ ગાંધીની ભૂમિકા દર્શાવવામાં આવશે.

સોનિયા ગાંધીનું પુસ્તક ‘બિલોંગિંગ: અ જર્ની ઑફ લવ’ કોઈપણ લોન્ચ ઇવેન્ટ વિના 10 નવેમ્બરથી સીધું જ બજારમાં મળવા લાગ્યું છે. હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં 544 પેજ અને 7 અધ્યાય છે. પ્રથમ આવૃત્તિમાં એક લાખ નકલો છાપવામાં આવી છે. પુસ્તકના કવર પર સોનિયાનો ફોટો છે, જે 1966માં રાજીવ ગાંધીએ લીધો હતો. શરૂઆતના પેજ પર લખ્યું છે—પુત્ર રાહુલ, પુત્રી પ્રિયંકા અને પૌત્ર-પૌત્રી રેહાન અને મિરાયાના નામે. સોનિયા ગાંધીએ તેને અંગત સંસ્મરણો ગણાવતાં કહ્યું છે કે આ રાજકીય પુસ્તક નથી.

પુસ્તકમાં કટોકટી બાદની ચૂંટણીમાં હાર, સંજય ગાંધીનું નિધન, ઇન્દિરા ગાંધીની હત્યા, રાજીવ ગાંધીની હત્યા અને પોતાને કેન્સર હોવાનું જાણવા મળવા જેવા પ્રસંગો સામેલ છે, જે ગાંધી પરિવારમાં બનેલી કરુણ ઘટનાઓ દર્શાવે છે.