સત્ય. સાહસ. સંકલ્પ.

2004માં સોનિયા ગાંધી વડાપ્રધાન કેમ ન બન્યા? રાહુલ-પ્રિયંકાની વિનંતી પાછળની વાત

2004માં સોનિયા ગાંધી વડાપ્રધાન કેમ ન બન્યા? રાહુલ-પ્રિયંકાની વિનંતી પાછળની વાત

વર્ષ 2004માં કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધને અટલ બિહારી વાજપેયીની ભાજપ-એનડીએ સરકારને હરાવીને જીત મેળવી હતી. ત્યારે દિલ્હીના રાજકીય વર્તુળોમાં એક જ નામ ચર્ચામાં હતું — સોનિયા ગાંધી.

પરંતુ જેમને દેશના વડાપ્રધાન તરીકે જોવામાં આવી રહ્યા હતા, તેમણે પોતાના મનમાં એક મોટો સંઘર્ષ ચલાવી રહ્યા હતા. સોનિયા ગાંધીના પુસ્તક ‘Belonging: A Journey of Love’માં 2004ના એ દિવસોની કેટલીક વિગતો જાહેર થઈ છે.

પુસ્તક મુજબ, ચૂંટણીના પરિણામો આવ્યા તે પહેલાં જ સોનિયા ગાંધીએ તેમના બાળકો રાહુલ ગાંધી (તે સમયે 34 વર્ષ) અને પ્રિયંકા ગાંધી (તે સમયે 32 વર્ષ) સાથે વડાપ્રધાન પદ અંગે ખુલીને વાત કરી હતી. બંનેમાંથી એકે પૂછ્યું કે જો યુપીએ જીતશે તો શું તમે વડાપ્રધાન બનશો? ત્યારે સોનિયા ગાંધીએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો — બિલકુલ નહીં.

બાળકોએ ફરી પૂછ્યું કે તમે ચોક્કસ છો? તો તેમણે કહ્યું કે હું એકદમ સ્પષ્ટ છું. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમનો આ જ વિચાર હતો કે તેઓ ક્યારેય ભારતના વડાપ્રધાન નહીં બને.

પુસ્તકમાં જણાવ્યા મુજબ, રાહુલ અને પ્રિયંકા તેમની માતાના આ નિર્ણયથી ખુશ હતા, કારણ કે તેમના મનમાં પરિવારની હિંસક ઘટનાઓનો ડર હતો. તેમણે દાદી ઇન્દિરા ગાંધીની ગોળીબારમાં થયેલી હત્યા અને પિતા રાજીવ ગાંધીની બોમ્બ વિસ્ફોટમાં થયેલી હત્યા જોઈ હતી.

સોનિયા ગાંધીએ પુસ્તકમાં લખ્યું છે કે તેમના મનમાં વડાપ્રધાનનું પદ સીધું જ મોટા જોખમ સાથે જોડાયેલું હતું. બાળકો રાહત અનુભવી રહ્યા હતા અને તેમણે પણ પહેલી વાર પોતાના વિચારો મોટેથી વ્યક્ત કરીને હળવાશ અનુભવી હતી. આ વાત ત્યાં જ રહી અને તેમણે આ અંગે બીજા કોઈ સાથે વાત કરી નહોતી.

ચૂંટણી જીત્યા બાદ સોનિયા ગાંધીના મનમાં તીવ્ર દ્વિધા ચાલી રહી હતી. 10, જનપથ ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી. સોનિયા ગાંધીએ નેતાઓ સામે વડાપ્રધાન ન બનવાની પોતાની અનિચ્છા વ્યક્ત કરી, પરંતુ ત્યાં હાજર નેતાઓએ આ સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેમણે દબાણ કરતાં કહ્યું કે મેડમ, તમે આ નિર્ણય ન લઈ શકો. અમે ના સાંભળવા તૈયાર નથી.

નેતાઓના આ વલણથી 58 વર્ષીય સોનિયા ગાંધી હતાશ થયા અને ધીમા અવાજે બોલ્યા — “ઠીક હૈ”. આ શબ્દ પૂરો થાય તે પહેલાં જ નેતાઓએ એકબીજાને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું.

રૂમની બહાર પ્રિયંકા ગાંધી રાહ જોઈ રહ્યા હતા. તેમને ખબર પડી કે તેમની માતા દબાણમાં આવીને વડાપ્રધાન બનવા તૈયાર થઈ ગયા છે, ત્યારે તેઓ રડી પડ્યા અને ઘર તરફ દોડ્યા. તેમણે સીધા ભાઈ રાહુલના રૂમમાં જઈને આ સમાચાર આપ્યા. બંને ભાઈ-બહેન તાત્કાલિક સોનિયા ગાંધી પાસે પહોંચ્યા.

આખરે નેતાઓના દબાણ છતાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદ સ્વીકાર્યું નહીં અને મનમોહન સિંહને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા. આ નિર્ણય પાછળ પરિવારની સલામતીની ચિંતા અને પોતાના સંતાનોની વિનંતી મુખ્ય કારણ હતું.