જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં કંગન વિસ્તારના ગુંડ સુંબલ પાવર હાઉસ પાસે મંગળવારે પ્રવાસીઓને લઈ જતું ટેમ્પો ટ્રાવેલર અંદાજે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં અમદાવાદ અને સુરતના 8 પ્રવાસીઓ સહિત કુલ 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાંથી 6ની હાલત ગંભીર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
આ અકસ્માત તે સમયે થયો જ્યારે વાહન પ્રખ્યાત પ્રવાસન સ્થળ સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહ્યું હતું અને અચાનક રસ્તા પરથી નીચે ઉતરીને ખીણમાં પડી ગયું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો અને પોલીસ કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. વાહનમાં સવાર તમામ લોકોને તબીબી સારવારની જરૂર હોવાથી આસપાસના વિસ્તારોમાંથી ઈમરજન્સી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
સોનમર્ગ, ગુંડ અને ગનીવનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)માંથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને પહેલા ગુંડ PHC ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તબીબોએ વધુ સારવાર માટે તમામ 18 ઈજાગ્રસ્તોને શ્રીનગરના સૌરા સ્થિત શેર-એ-કશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) ખાતે રિફર કર્યા હતા.
સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) કંગન રાજેશ રૈનાએ અકસ્માતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે ડ્રાઇવર સહિત 18 લોકોને ઈજાઓ પહોંચી છે. તેમણે કહ્યું કે તમામ ઈજાગ્રસ્તોને SKIMS શ્રીનગર મોકલતા પહેલા ગુંડ PHC લઈ જવામાં આવ્યા હતા. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે 6 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તો અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.
ઈજાગ્રસ્તોની યાદીમાં ડ્રાઈવર સહિત 12 લોકોની પ્રાથમિક ઓળખ થઈ છે. જેમાં ગુજરાતના અમદાવાદ અને સુરત, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને અન્ય વિસ્તારો તેમજ પંજાબના ગુરદાસપુરના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નામોની યાદીમાં અમદાવાદના શારદા બેન (58) અને રમેશ ભાઈ (59); સુરતના દાયશા (42); અમદાવાદના શોભા બેન (50) અને રાજેશ કુમાર; તેમજ પશ્ચિમ બંગાળના સ્વર્ણદ્યુતિ ઘોષ (24), માલા ઘોષ (48) અને સુરજીત ઘોષ (61)નો સમાવેશ થાય છે. ગુજરાતના મુકેશ ભાઈ, કલા બેન અને રોહન ભાઈ પણ આ યાદીમાં સામેલ હતા. પંજાબના ગુરદાસપુરના રહેવાસી જગદીશની ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવર તરીકે ઓળખ થઈ છે.
ઉપલબ્ધ યાદી મુજબ શારદા બેન, રમેશ ભાઈ, દાયશા, શોભા બેન અને રાજેશ કુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. સ્વર્ણદ્યુતિ ઘોષને થાપાના ભાગે ઈજા થઈ છે, જ્યારે સુરજીત ઘોષને છાતીના ડાબા ભાગમાં ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તો અંગેની વધુ માહિતી અપડેટ કરવામાં આવી રહી છે.
અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડિંગને કારણે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.