લેહ-લદાખના જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શનોને દબાવવાથી નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વાંગચુકે જણાવ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શન સરકાર માટે પ્રતિસાદનું કામ કરે છે અને તેનાથી દબાણ હળવું થાય છે.
તેમણે ઉમેર્યું કે યુકે, નોર્વે અને સ્વીડન જેવા દેશોમાં સંસદની બહાર પ્રદર્શન કરવાની છૂટ છે, જ્યારે ભારતમાં જંતર-મંતર જેવા સ્થળો સંસદથી ઘણા દૂર રાખવામાં આવ્યા છે. જો લોકોને શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવાની તક નહીં મળે તો અન્ય દેશોમાં જે સ્થિતિ સર્જાઈ હતી તેવું પરિણામ આવી શકે છે.
સોનમ વાંગચુકે આંતરિક પ્રદર્શનો રોકવા માટે અર્ધસૈનિક દળોના ઉપયોગની ટીકા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અર્ધસૈનિક દળોની તહેનાતી દેશની સરહદોની સુરક્ષા માટે થવી જોઈએ. શિયાળાના સમયમાં જ્યારે સુરક્ષા દળોનું ધ્યાન અન્ય જગ્યાએ ફેરવવામાં આવે છે ત્યારે ચીન લદાખ સરહદ નજીકના વિસ્તારોમાં ધીમે-ધીમે આગળ વધે છે. તેમણે ગૃહ મંત્રાલયને દેશની સરહદો પર વધુ ધ્યાન આપવા અને અર્ધસૈનિક દળોને સંરક્ષણ મંત્રાલય હેઠળ લાવવા સૂચન કર્યું હતું.
લદાખના ભવિષ્ય અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પ્રદેશના સંચાલનમાં ત્યાંના સ્થાનિક લોકોની ભાગીદારી જરૂરી છે. વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન બાદ લદાખનું શાસન દૂર બેઠેલા પ્રતિનિધિઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે. બહારથી આવતા પ્રશાસકો સારા ઈરાદા ધરાવતા હોય તો પણ લદાખની વિશિષ્ટ પરિસ્થિતિ અને પર્યાવરણને યોગ્ય રીતે સમજી શકતા નથી. તેમણે માંગ કરી કે નાગરિકોને પ્રદર્શન માટે પરવાનગી લેવાની જરૂર ન હોવી જોઈએ અને પ્રદર્શનકારોનો અવાજ દબાવવાને બદલે તેમનો સંદેશ સાંભળવો જોઈએ.