સત્ય. સાહસ. સંકલ્પ.

સોનમ વાંગચુક પર 60 દિવસનો પ્રતિબંધ, લદાખ પ્રશાસને જાહેર ગતિવિધિઓ પર લગાવ્યો અંકુશ

સોનમ વાંગચુક પર 60 દિવસનો પ્રતિબંધ, લદાખ પ્રશાસને જાહેર ગતિવિધિઓ પર લગાવ્યો અંકુશ

લદાખ પ્રશાસને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકની જાહેર ગતિવિધિઓ પર 60 દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે. બુધવારે રાત્રે વાંગચુકને લેહના NDS મેમોરિયલ પાર્ક ખાતેના વિરોધ સ્થળેથી હટાવાયા હતા. ત્યારબાદ, લેહના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ 163 હેઠળ આદેશ જારી કર્યો છે.

આ આદેશ અનુસાર, વાંગચુક કોઈપણ અનધિકૃત રેલી, સરઘસ કે જાહેર સભાનું આયોજન કરી શકશે નહીં અને તેમાં ભાગ પણ લઈ શકશે નહીં. લેહના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP)ના અહેવાલમાં જણાવાયું હતું કે વાંગચુકની ભૂખ હડતાળ અને જનસભા જેવી આગામી યોજનાઓથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. તેમના આધારે આ પગલાં લેવાયાં છે.

પ્રશાસને જણાવ્યું છે કે હાલમાં લદાખમાં નગર સમિતિ, પંચાયતો અને લદાખ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદ (LAHDC), લેહની ચૂંટણીઓ ચાલી રહી છે અને આદર્શ આચારસંહિતા લાગુ છે. જો આવી ગતિવિધિઓને રોકવામાં ન આવે, તો શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો થઈ શકે છે. કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA)ના નેતા સજ્જાદ કારગિલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ આદેશની નકલ શેર કરી છે.

આ નિયંત્રણો એવા સમયે લગાવાયા છે જ્યારે લેહ એપેક્સ બોડી (LAB)એ ફરીથી વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે. આચારસંહિતા વચ્ચે પણ LAB દ્વારા ગુરુવારે શાંતિપૂર્ણ ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બીજી તરફ, લદાખના મુદ્દાઓ અને આંદોલનને સમર્થન આપવા માટે KDAએ શનિવારે સાંજે કારગિલમાં કેન્ડલ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે.