બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ 'માતૃભૂમિ'ના નવા ગીત 'તેરી સેક્સી બ્યુટી' વિવાદમાં ઘેરાયું છે. આ ગીતમાં સલમાને પોતે અવાજ આપ્યો છે. ગાયિકા સોના મહાપાત્રાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને આ ગીતની ટીકા કરી છે. તેમણે કહ્યું કે સૈનિકોના બલિદાન પર આધારિત ફિલ્મમાં 'બે પેગ લગાવવા' અને 'વિમાન બનવા' જેવા બોલ યોગ્ય નથી.
સોના મહાપાત્રાએ વીડિયોમાં કહ્યું, "મિસ્ટર ખાનની નવી માસ્ટરપીસ એવી ફિલ્મમાંથી આવી છે, જે કથિત રીતે આપણા સૈનિકોના બલિદાનથી પ્રેરિત છે. અને આપણા સુપરસ્ટાર બે પેગ લગાવવા અને વિમાન બનવા વિશે ગાઈ રહ્યા છે." તેમણે વધુમાં જણાવ્યું કે લોકો તેમને કહેતા હતા કે જો તેમણે સલમાન ખાન સાથે ઝઘડો ન કર્યો હોત તો તેમની બોલિવૂડ કારકિર્દી શાનદાર હોત. આ અંગે કટાક્ષ કરતાં તેમણે પૂછ્યું કે શું આ જ તે બોલિવૂડ સિંગિંગ છે, જે તેમણે ગુમાવી દીધી અને આજે કોની કારકિર્દીને સહાનુભૂતિની જરૂર છે.
વીડિયોના કેપ્શનમાં સોનાએ લખ્યું, "એ બોલિવૂડ કારકિર્દી, જેને ગુમાવવાનો મને અફસોસ થવો જોઈએ હતો. સલમાન ખાન, તમે ફરી એકવાર પોતાને પાછળ છોડી દીધા છે." તેમણે કહ્યું કે જ્યારે આખી ઇન્ડસ્ટ્રી બોલિવૂડ પ્લેબેક સિંગિંગ પાછળ દોડી રહી હતી, ત્યારે તેઓ પોતાનું સંગીત અને શો તૈયાર કરી રહ્યાં હતાં. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ શક્તિશાળી વ્યક્તિના દરબારમાં હાજરી આપવા કરતાં પોતાની દુનિયા બનાવવી મોટી સિદ્ધિ છે અને તેમને આ "શાહી દરબાર" ક્યારેય પોતાના સમયને લાયક લાગ્યો નથી.
સોના મહાપાત્રાએ સલમાન ખાન સાથેના જૂના ટકરાવનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે 2016માં જ્યારે સલમાને ફિલ્મ 'સુલતાન'ના શૂટિંગના થાકની તુલના દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા સાથે કરી હતી, ત્યારે તેમણે તેની ટીકા કરી હતી. ત્યારબાદ તેમને અને તેમની માતાને દુષ્કર્મની ધમકીઓ મળી હતી અને અશ્લીલ મોર્ફ્ડ તસવીરો વાયરલ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ ફરિયાદ કરવી પડી હતી અને તત્કાલીન મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીના મંત્રાલયે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. આ ઉપરાંત, 2019માં જ્યારે સલમાને લગ્ન કરવા માટે ફિલ્મ 'ભારત' છોડવા બદલ પ્રિયંકા ચોપડાની વારંવાર મજાક ઉડાવી હતી, ત્યારે પણ સોનાએ તેને બુલિંગ ગણાવીને સલમાનના 'સેવિયર કોમ્પ્લેક્સ' પર સવાલ ઉઠાવ્યા હતા.
'માતૃભૂમિ: મે વૉર રેસ્ટ ઇન પીસ' ફિલ્મ અપૂર્વ લાખિયાના દિગ્દર્શનમાં બની છે અને તેનું નિર્માણ સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. સલમાન ખાનની સાથે ચિત્રાંગદા સિંહ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા દેશભક્તિ, સૈનિકોના બલિદાન અને યુદ્ધ દરમિયાન માનવોએ ચૂકવવી પડતી કિંમત પર આધારિત છે. ટીઝર અને પોસ્ટરે ફિલ્મને લઈને ઉત્સુકતા વધારી છે.