સત્ય. સાહસ. સંકલ્પ.

સોમનાથ મંદિર આસપાસ નોનવેજ પ્રતિબંધ યથાવત: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના સ્ટે પર કોઈ હુકમ કર્યો નહીં

સોમનાથ મંદિર આસપાસ નોનવેજ પ્રતિબંધ યથાવત: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના સ્ટે પર કોઈ હુકમ કર્યો નહીં

સોમનાથ મંદિર આસપાસ નોનવેજ વેચાણ પરના પ્રતિબંધને પડકારતી અપીલ પર સુપ્રીમ કોર્ટે હાલ કોઈ હુકમ કર્યો નથી. પરિણામે ગુજરાત હાઈકોર્ટે આપેલો સ્ટે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે આ અપીલને બે મહિનામાં પૂરી કરવા નિર્દેશ આપ્યો છે.

ઘટનાક્રમ મુજબ, સોમનાથ મંદિર આસપાસની છ નોનવેજ રેસ્ટોરન્ટના માલિકોએ રાજ્ય સરકારના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર્યું હતું. આ જાહેરનામા હેઠળ શહેરના ચોક્કસ વિસ્તારોમાં નોનવેજ વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાઈકોર્ટના સિંગલ જજે સોમનાથ મંદિર આસપાસના વિસ્તારમાં આ પ્રતિબંધ પર સ્ટે આપ્યો હતો. આ સ્ટે સામે અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

અરજદારોના વકીલ અસરાર મન્સૂરીના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે અપીલને બે મહિનામાં ઝડપથી પતાવવા નિર્દેશ આપ્યો છે. સ્ટે અંગે કોઈ હુકમ ન કર્યો હોવાથી હાઈકોર્ટનો સ્ટે ચાલુ રહેશે.

અરજદારોના જણાવ્યા મુજબ, 7 ઓક્ટોબરે હાઈકોર્ટમાં આ કેસની પ્રથમ સુનાવણી થઈ હતી. તે જ દિવસે મામલતદારે આ છ અરજદારો પાસે પોલીસ ચોકીમાં એક કબૂલાતનામા પર સહી કરાવી લીધી હતી કે તેઓ ભવિષ્યમાં નોનવેજ ખોરાક નહીં વેચે અને માત્ર શાકાહારી ચીજવસ્તુઓનો જ વેપાર કરશે. હાઈકોર્ટે સરકારને સવાલ પણ કર્યો હતો કે જે દિવસે હાઈકોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી તે જ દિવસે મામલતદારે આ રેસ્ટોરન્ટ માલિકોની સહીઓ કેમ લીધી?