સોમનાથ મંદિરમાં પ્રસાદ હવે પ્લાસ્ટિકના બોક્સમાં નહીં, પરંતુ કાગળ અને ટીનમાંથી બનેલા બોક્સમાં આપવામાં આવશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) અમદાવાદે આ બે નવા બોક્સ તૈયાર કર્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 2024માં આ પ્રોજેક્ટ NIDને સોંપ્યો હતો, જેનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાનો હતો.
સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવા બોક્સનું લોન્ચિંગ કર્યું હતું. આ બોક્સની ડિઝાઇન NIDમાં ફર્નિચર અને ડિઝાઇન ફેકલ્ટી તરીકે કાર્યરત નેહા માંડલિક અને તેમની ટીમે તૈયાર કરી છે.
નવા બોક્સની ડિઝાઇન માટે 18થી વધુ વિકલ્પોમાંથી અંતિમ રૂપે બે ડિઝાઇન પસંદ કરવામાં આવી છે. આ ડિઝાઇન શિવજીના વાહન નંદી, બિલિપત્ર અને મંદિરના ભવ્ય આર્કિટેક્ચરથી પ્રેરિત છે. બંને બોક્સમાં યલો અને ઓરેન્જ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પૂજામાં વપરાતા હળદર અને કુમકુમનું પ્રતીક છે. બોક્સ પર નંદીને બ્લૂ કલરમાં દર્શાવવામાં આવ્યો છે અને બિલિપત્રની ડિઝાઇન પણ કંડારવામાં આવી છે. આ ઉપરાંત બોક્સ પર 'પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડો' અને 'પર્યાવરણ બચાવો' જેવા સામાજિક સંદેશા પણ લખવામાં આવ્યા છે.
નેહા માંડલિકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "અમે પ્રસાદના બોક્સને નવી રીતે ડિઝાઇન કર્યું છે, જેમાં ટકાઉ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી લોકો તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકે. મેં અને મારી ટીમે ઘણું સંશોધન, પ્રોટોટાઇપ અને પગલાંને અનુસરીને આ બોક્સ તૈયાર કર્યું છે."
ટીમે પ્રોજેક્ટ પર કામ શરૂ કરતાં પહેલાં ભારતના 28 મંદિરોમાં પ્રસાદના પેકેજિંગનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે અંબાજી મંદિરમાં પણ પ્લાસ્ટિકના ડબ્બામાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે. અંબાજીમાં દર મહિને લગભગ 11,000 કિલો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, જે વર્ષમાં લગભગ 1.68 લાખ કિલો પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરે છે. નવરાત્રિ દરમિયાન આ પ્રમાણ વધી જાય છે. આ ડબ્બા ઘણીવાર રિસાયકલ થઈ શકતા નથી, જેનાથી પ્રદૂષણ વધે છે. કેટલાક ભક્તો પ્રસાદના બોક્સને નદીમાં પણ ફેંકી દે છે, જેથી નદી પ્રદૂષિત થાય છે.
નેહા માંડલિકે જણાવ્યું કે, સંશોધનના પ્રારંભિક તબક્કામાં લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો હતો. તેમની ટીમે સોમનાથ માટે 18 જેટલા નવા બોક્સની ડિઝાઇન તૈયાર કરી હતી, જેમાંથી 5 બોક્સની ડિઝાઇન પ્રારંભિક તબક્કે જ પસંદ કરવામાં આવી હતી અને અંતિમ રૂપે 2 બોક્સ ફાઇનલ કરવામાં આવ્યા.
આ પહેલ સોમનાથ ધામમાં પર્યાવરણની રક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.