શ્રાવણ માસ દરમિયાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે 22.61 લાખથી વધુ ભક્તો ઉમટ્યા હતા. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આ વર્ષે કુલ 22,61,597 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, જ્યારે ગત વર્ષે આ સંખ્યા 16,17,162 હતી. એટલે કે ગત વર્ષની સરખામણીએ 6,44,435 વધુ ભક્તોએ સોમનાથ ધામની મુલાકાત લીધી.
શ્રાવણના ચારેય સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પહેલા સોમવારે 1,64,166, બીજા સોમવારે 1,42,100, ત્રીજા સોમવારે 87,371 અને ચોથા સોમવારે 1,66,802 દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા. આ ઉપરાંત જન્માષ્ટમી પર્વે એક જ દિવસમાં 1,72,755 ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
આ વર્ષે ધાર્મિક સેવાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. શ્રાવણ માસમાં 1,109 ધ્વજા પૂજા થઈ, જે ગત વર્ષે 801 હતી. સોમેશ્વર પૂજાની સંખ્યા 1,200 થી વધીને 1,394 થઈ છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે ભક્તોએ 43,43,000 મહામૃત્યુંજય જાપ, 38,01,500 સંપૂર્ણ મહામૃત્યુંજય જાપ, 8,775 રુદ્રાભિષેક પાઠ, 4,031 ગંગાજળ અભિષેક, 2,919 બ્રહ્મભોજન અને મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ સહિતના ધાર્મિક કાર્યો પણ સંપન્ન કર્યા હતા.
શ્રાવણ માસના પ્રારંભથી અંત સુધી સોમનાથ ધામમાં દેશ-વિદેશના ભક્તોનો સતત પ્રવાહ રહ્યો. ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના નાદથી આસપાસનો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ આંકડા સોમનાથ મહાદેવ પ્રત્યે લોકોની અડગ આસ્થા દર્શાવે છે.