અમદાવાદ: સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યામાં અને અન્ય ધાર્મિક સ્થળોની આસપાસ માંસાહારી ખોરાકના વેચાણ અને સંગ્રહ પર રાજ્ય સરકારે ઓગસ્ટ મહિનામાં જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રતિબંધને સોમનાથના 06 નોનવેજ રેસ્ટોરન્ટના માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આજે હાઈકોર્ટના સિંગલ જજે અરજી પર ચુકાદો આપતાં રાજ્ય સરકારના જાહેરનામાને રદ કર્યું છે.
ચુકાદા બાદ રાજ્ય સરકારે સિંગલ જજ સમક્ષ અપીલમાં જવા માટે 07 દિવસનો સ્ટે માંગ્યો હતો, પરંતુ કોર્ટે તે આપવાનો ઇનકાર કર્યો. બાદમાં સરકારે 02 દિવસનો સ્ટે માંગ્યો, તે પણ ફગાવતા કોર્ટે જણાવ્યું કે આ અરજદારોની રોજીનો પ્રશ્ન છે. સિંગલ જજના હુકમ સામે સરકારી વકીલે તાત્કાલિક ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ અપીલ કરી છે અને ડબલ જજની બેન્ચ સમક્ષ સિંગલ જજના ઓર્ડરને પડકારવા તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે.
અરજદારોના વકીલ અસરાર મન્સૂરીએ દલીલ કરી હતી કે આ પ્રતિબંધ બંધારણના અનુચ્છેદ 19(1)(g) હેઠળ આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તેમણે જણાવ્યું કે અધિકારીઓ કોઈ વાજબી કારણ વગર વ્યક્તિને કોઈપણ વેપાર કે આજીવિકા મેળવતા રોકી શકે નહીં. અરજદારોની રેસ્ટોરન્ટ સરકારે નિર્દિષ્ટ કરેલા 06 પ્રતિબંધિત વિસ્તારોમાં એકમાં આવેલી છે.
અરજદારોએ રજૂઆત કરી હતી કે સત્તાવાળાઓએ તેમને તેમની હોટેલો બંધ કરવા મજબૂર કર્યા હતા અને અધિકારીઓ સતત તેમને હેરાન કરી રહ્યા છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે અરજદારોની દુકાનો અને રેસ્ટોરન્ટ સોમનાથ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા છે, જેથી યાત્રાળુઓને નોનવેજ ખાદ્યપદાર્થોનો સામનો કરવો પડે છે. સરકારનું કહેવું હતું કે યાત્રાળુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે તે હેતુથી આ પ્રતિબંધ મુકાયો છે.
અરજદારોના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરે હાઈકોર્ટમાં આ કેસની પહેલી સુનાવણી થઈ હતી ત્યારે મામલતદારે આ 06 અરજદારો પાસે પોલીસ ચોકીમાં એક કબૂલાતનામા પર સહી કરાવી લીધી હતી કે તેઓ ભવિષ્યમાં નોનવેજ ખોરાક નહીં વેચે અને માત્ર શાકાહારી ચીજવસ્તુઓનો જ વેપાર કરશે. હાઈકોર્ટે સરકારને સવાલ પણ કર્યો હતો કે હાઈકોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી તે જ દિવસે મામલતદારે આ રેસ્ટોરન્ટ માલિકોની સહીઓ કેમ લીધી?