સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવા કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ વિભાગે સોલિડ વેસ્ટ (હેન્ડલિંગ એન્ડ મેનેજમેન્ટ) બાયલોઝ-2026 હેઠળ આ નિયમો લાગુ કર્યા છે.
નવા નિયમો મુજબ દરેક ઘર, દુકાન, વેપારી સંસ્થા, હોટેલ-રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીએ કચરાનું વર્ગીકરણ કરવું ફરજિયાત રહેશે. ભીનો, સૂકો, સેનેટરી અને સ્પેશિયલ કેર કચરો એમ ચાર વર્ગમાં અલગ રાખીને નગરપાલિકાના અધિકૃત વાહનોને સોંપવાનો રહેશે.
વર્ગીકરણ નહીં કરનારા ઘરો પર પ્રથમ પાંચ ગુના સુધી 100 રૂપિયા અને વારંવાર ગુનો કરવામાં 1,000 રૂપિયા સુધીનો દંડ ફટકારાશે. મોટા પ્રમાણમાં કચરો પેદા કરતી સંસ્થાઓ (બલ્ક વેસ્ટ જનરેટર) માટે દંડ 1,000 રૂપિયાથી લઈને પુનરાવર્તિત ગુનામાં 10,000 રૂપિયા સુધીનો રહેશે.
જાહેર સ્થળોએ કચરો ફેંકવો, વાહનમાંથી કચરો ફેંકવો અને પ્રતિબંધિત વસ્તુઓના ઉપયોગ પર પણ દંડની જોગવાઈ છે. પ્લાસ્ટિકની થેલીઓ, સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ અને થર્મોકોલની ડિસ્પોઝલ વસ્તુઓ પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉત્પાદન, પરિવહન, વિતરણ અને આયાત પર પ્રથમ પાંચ ગુના સુધી 5,000 રૂપિયા અને પુનરાવર્તિત ગુનામાં 50,000 રૂપિયા સુધીનો દંડ થશે.
20,000 ચોરસ મીટર કે તેથી વધુ બાંધકામ વિસ્તાર ધરાવતી બિલ્ડિંગો, દરરોજ 40,000 લિટર કે તેથી વધુ પાણી વાપરતી સંસ્થાઓ અથવા દરરોજ 100 કિલો કે તેથી વધુ કચરો પેદા કરતી સંસ્થાઓને બલ્ક વેસ્ટ જનરેટર ગણવામાં આવશે. આવી સંસ્થાઓએ સેન્ટ્રલાઈઝ્ડ ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે.
ઘરેલું, વ્યાપારી અને જોખમી કચરો રસ્તાની બાજુમાં કે જાહેર અથવા ખાનગી સ્થળે સળગાવવા પર પ્રતિબંધ છે. બાંધકામ કે તોડફોડમાંથી નીકળતો કચરો પણ અલગ રાખીને નિયત વ્યવસ્થા મુજબ નિકાલ કરવાનો રહેશે.