મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માઢા તાલુકાના તુલશી ગામમાં પાણીની ભયંકર અછતને કારણે ગ્રામજનોએ આખું ગામ વેચાણ માટે મૂક્યું છે. તેમણે ગામમાં એક બોર્ડ લગાવ્યું છે જેમાં લખ્યું છે, “ગામ વેચાણ માટે, કિંમત-પાણી.” બોર્ડમાં એ પણ લખ્યું છે કે આખરે અન્યાય કેટલા સમય સુધી સહન કરવો?
તુલશી ગામની વસ્તી આશરે 7,000 છે. અધૂરા સિંચાઈ પ્રોજેક્ટને કારણે ગામ ઘણા વર્ષોથી પાણીના ટેન્કરો પર નિર્ભર છે. ગ્રામજનોનો દાવો છે કે ગામ નજીકથી નહેરો પસાર થાય છે, તેમ છતાં તેમને પાણી મળી રહ્યું નથી. આ વર્ષે ઓછો વરસાદ પડતાં સંકટ વધુ ઘેરાયું છે.
ગામના સરપંચ શરદ મોરેએ જણાવ્યું કે જળસંકટને કારણે ગામના આશરે 350 યુવકોનાં લગ્ન થઈ રહ્યાં નથી. કોઈપણ પરિવાર પોતાની દીકરીઓ તેમને આપવા તૈયાર નથી. તેમણે કહ્યું, “ગામમાં દર વર્ષે પાણીની અછત રહે છે. ‘ગામ વેચાણ માટે, કિંમત-પાણી’નું બોર્ડ લગાવીને સરકારનું ધ્યાન સમસ્યા તરફ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.”
મોરેએ અગાઉ જણાવ્યું હતું કે સીણા-માઢા યોજનાના 7મા અને 8મા આઉટલેટ પાસે આશરે 800 મીટર ખોદકામનું કામ 26 વર્ષથી અધૂરું છે. આ કામ પૂર્ણ થતાં તુલશીની પાણીની સમસ્યા કાયમ માટે દૂર થઈ શકે છે.
ગ્રામજનોએ પાણીની માંગણીને લઈને 14 સપ્ટેમ્બરે ભૂખ હડતાળ શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે માઢા તાલુકા કાર્યાલયની બહાર થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. પાણી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ગ્રામજનોએ જણાવ્યું કે જલ જીવન મિશન હેઠળ કામ થયું છે, પરંતુ સ્થાનિક જળસ્રોતો સુકાઈ જવાથી આ યોજના નિરર્થક બની ગઈ છે. તુલશીમાં 14 તળાવો અને કૂવાઓ સંપૂર્ણપણે સુકાઈ ગયા છે. ગ્રામજનોનું કહેવું છે કે તેમને પાણીથી ભરવાથી પીવાના અને સિંચાઈના પાણીની અછત ઘણી હદ સુધી ઘટી શકે છે.
તુલશીના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. પાણીના સંકટે તેમની આજીવિકા પર ખરાબ અસર કરી છે. જળસંકટની અસર લોકોના અંગત જીવન પર પણ પડી છે. ગામના આશરે 350 યુવકોનાં લગ્ન થઈ શકતાં નથી.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 26 સપ્ટેમ્બરે રાજ્યના 358માંથી 265 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો છે અને રાહત પેકેજની જાહેરાત પણ કરી છે.