સત્ય. સાહસ. સંકલ્પ.

દુષ્કાળને કારણે સોલાપુરના ખેડૂતો એપીએમસીમાં મજૂરી કરવા મજબૂર, મુંબઈ-પુણે સ્થળાંતર

દુષ્કાળને કારણે સોલાપુરના ખેડૂતો એપીએમસીમાં મજૂરી કરવા મજબૂર, મુંબઈ-પુણે સ્થળાંતર

સોલાપુર જિલ્લામાં વરસાદની ભારે અછતને કારણે ખેતીના પાક નિષ્ફળ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતીમાંથી આવકનો કોઈ સ્રોત ન રહેતાં અનેક ખેડૂતોને પરિવારના ભરણપોષણ માટે રોજગારીની શોધમાં મુંબઈ અને પુણે જેવાં શહેરો તરફ સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. નવી મુંબઈના વાશી સ્થિત એપીએમસી માર્કેટમાં સોલાપુરના આશરે ૪૦થી ૫૦ ખેડૂતો શાકભાજીનાં ટ્રકોમાંથી માલ ઉતારવા-ચઢાવવાની મજૂરી કરી રહ્યા છે. મોડી રાતથી વહેલી સવાર સુધી પરિશ્રમ કરીને તેઓ રોજીરોટી રળવા મજબૂર બન્યા છે.

કેટલાક ખેડૂતોએ સૂર્યમુખીની ખેતી પાછળ બિયારણ અને ખેતરની તૈયારી માટે આશરે ૧૬થી ૧૭ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ વરસાદના અભાવે પાક સંપૂર્ણ નિષ્ફળ જતાં પરિવારનું ગુજરાન ચલાવવા તેમને મુંબઈ આવવાની ફરજ પડી છે. કામ મળે તે દિવસે આશરે ૭૦૦ રૂપિયાની મજૂરી મેળવી તેઓ પરિવારને આર્થિક સહાય પહોંચાડે છે. દુષ્કાળની સ્થિતિ એટલી વિકટ છે કે કેટલાક ખેડૂતોને દિવાળીનો તહેવાર પણ પરિવારથી દૂર રહીને વિતાવવો પડ્યો છે.

સરકારી અહેવાલ મુજબ, સોલાપુરના તમામ ૧૧ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં સરેરાશ વરસાદની સરખામણીએ આશરે ૫૮ ટકા વરસાદનો ઘટાડો નોંધાયો છે. સાંગોલામાં ૫૨ ટકા વરસાદની અછત છે, જ્યારે મોહોળમાં માત્ર ૧૯૩.૨ મિમી વરસાદ નોંધાયો છે. તેની સીધી અસર ભૂગર્ભ જળસ્તર પર પણ પડી છે. વર્ષ ૨૦૧૫ના દુષ્કાળની સરખામણીએ આ વખતે ૪૭ ટકા વધુ કૂવાઓના જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે. અનેક ગામોમાં પીવાના પાણી માટે પણ ટેન્કરોનો સહારો લેવો પડી રહ્યો છે.

વરસાદના અભાવે ખરીફ અને રવિ બંને સીઝનના પાકને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને રવિ જુવારની વાવણી સામે પણ અનિશ્ચિતતા ઊભી થઈ છે. ત્રણથી છ એકર જમીન ધરાવતા ખેડૂતોને પણ ખેતીમાંથી પૂરતી આવક મળી રહી નથી. પરિણામે ખેડૂતોને ખેતીની સાથે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવાની નોબત આવી છે. રહેઠાણ, ભોજન અને બાળકોના શિક્ષણના ખર્ચને પહોંચી વળવું પણ મુશ્કેલ બન્યું છે. સતત ત્રણ વર્ષથી ખેતીની આવકમાં ઘટાડો થતાં ખેડૂતોની સ્થિતિ વધુ કથળી છે. એક તરફ ખેતરોમાં પાક નથી અને બીજી તરફ ગામડાંમાં રોજગારીની તકો મર્યાદિત રહેતાં ખેડૂતો શહેરો તરફ વળવા મજબૂર થયા છે.

ખેડૂતોનું મુંબઈ અને પુણે તરફ વધતું સ્થળાંતર ગ્રામ્ય અર્થતંત્ર માટે ચિંતાજનક માનવામાં આવે છે. સમાજશાસ્ત્રીઓના મતે, સોલાપુરમાંથી રોજગારી માટે સ્થળાંતર થવું નવી બાબત નથી, પરંતુ પોતાની ખેતીની જમીન ધરાવતા અને ખેતી પર નિર્ભર ખેડૂતોને પણ શહેરોમાં દૈનિક મજૂરી કરવી પડે તે ગંભીર પરિસ્થિતિનો સંકેત છે. ખેતીમાં સતત નુકસાન થતું રહેશે તો અસ્થાયી સ્થળાંતર કાયમી બની શકે છે. આ સ્થિતિને નિવારવા સોલાપુર જિલ્લામાં કૃષિ આધારિત ઉદ્યોગો સ્થાપીને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી કરવાની જરૂરિયાત નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

દરમિયાન, દુષ્કાળની વ્યાપક અસરનો અભ્યાસ કરવા પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર સોલાપુર યુનિવર્સિટીએ જિલ્લાના વિવિધ વિસ્તારોની કૉલેજો પાસેથી અહેવાલો મંગાવવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, જિલ્લા વહીવટીતંત્રે પહેલી ડિસેમ્બરથી 'વિકસિત ભારત - ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' હેઠળ રોજગારીનાં કામો શરૂ કરવાની યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત વૃક્ષારોપણ, કૂવાઓ ઊંડા કરવા અને જળસંરક્ષણનાં વિવિધ કામો હાથ ધરાશે. જેથી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના લોકોને ગામમાં જ રોજગારી મળી રહે અને રોજીરોટી માટે શહેરો તરફ સ્થળાંતર કરવાની ફરજ ન પડે.