અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ખાતે થયેલી દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત અને બે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ભૂમિકા અંગે પ્રશ્નો ઊભા થયા છે. કોર્પોરેશને આ ઘટના માટે જવાબદાર ઠેરવાયેલી ખાનગી એજન્સી HNB પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, પરંતુ એજન્સી સામે પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવા કે તેને બ્લેકલિસ્ટ કરવા અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. તંત્ર હાલમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC)ના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, HNB એજન્સી પાસે સોલા STPના કેપિટલ ખર્ચ પેટે 45 કરોડ રૂપિયા અને ઓપરેશન તથા મેન્ટેનન્સ પેટે 16 કરોડ રૂપિયા મળીને કુલ 61 કરોડ રૂપિયાનો 10 વર્ષનો કોન્ટ્રાક્ટ છે. આટલા મોટા કોન્ટ્રાક્ટ હોવા છતાં કાર્યસ્થળે સુરક્ષાના ધોરણોનું પાલન ન થતાં બે લોકોના જીવ ગયા હોવાની ઘટના ગંભીર છે. મૃતકોના પરિવારજનોને 30-30 લાખ રૂપિયાની વળતરની જાહેરાત કરાઈ છે, પરંતુ ક્રિમિનલ કાર્યવાહી કે એજન્સીને બ્લેકલિસ્ટ કરવા અંગે હજી સ્પષ્ટતા નથી.
સિટી એન્જિનિયર વિજય પટેલે જણાવ્યું છે કે, "STPનું ટ્રાયલ રન ચાલુ હતું તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. PMCનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદાકીય અને વહીવટી કાર્યવાહી કરાશે." જોકે, સૌથી ચિંતાજનક બાબત એ છે કે આટલા જોખમી પ્લાન્ટમાં કામગીરી માટે કોઈ ચોક્કસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જ અસ્તિત્વમાં નહોતી. સુરક્ષાના પૂરતા સાધનો, ચોક્કસ ગાઈડલાઈન કે ઇમરજન્સી પ્રોટોકોલના અભાવે શ્રમિકોને જોખમમાં મૂકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના કોર્પોરેશનની બેદરકારીનું એકમાત્ર ઉદાહરણ નથી. અમદાવાદના પીપળજ ખાતે 10 વર્ષની દિવ્યાંગ બાળકી મનીષા ગટરની લાઇનમાં ખાબક્યાને 20 દિવસથી વધુ સમય વીતી ગયો છે, છતાં તેની કોઈ ભાળ મળી નથી. આ બંને ઘટનાઓ દર્શાવે છે કે અમદાવાદમાં નાગરિકો અને શ્રમિકોની સુરક્ષા તંત્ર માટે પ્રાથમિકતા નથી. હવે સવાલ એ છે કે PMC રિપોર્ટ આવ્યા બાદ કોર્પોરેશન કેવી કડક કાર્યવાહી કરે છે, તે જોવાનું રહેશે.