રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે તબીબી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવાના ભાગરૂપે અમદાવાદની સોલા GMERS હોસ્પિટલ ખાતે ત્રણ સભ્યોનું નવું સ્થાયી તબીબી મંડળ રચવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી અમદાવાદ, ગાંધીનગર સહિત 8 જિલ્લાના શિક્ષણ વિભાગના શિક્ષકો અને GSRTCના અમદાવાદ, મહેસાણા, હિંમતનગર અને પાલનપુર વિભાગના વર્ગ-3 તથા વર્ગ-4 કર્મચારીઓને સીધો લાભ થશે.
અત્યાર સુધી આ તમામ કામગીરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલી હતી, જેના કારણે ત્યાં ભારે ધસારો રહેતો હતો. વિકેન્દ્રીકરણના આ પગલાથી ત્યાંનું કાર્યભારણ ઘટશે અને કર્મચારીઓને સિવિલ હોસ્પિટલના ધક્કામાંથી મુક્તિ મળશે.
નવી વ્યવસ્થા હેઠળ, શિક્ષણ વિભાગના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો, વિદ્યાસહાયક અને મદદનીશ શિક્ષકોને ગંભીર અથવા અસાધ્ય બીમારીના કિસ્સામાં આંતરિક અથવા જિલ્લા ફેરબદલી માટે સોલા GMERS ખાતે તબીબી પ્રમાણપત્ર મળશે. આ સુવિધા અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર – આ 8 જિલ્લાના કર્મચારીઓ માટે ઉપલબ્ધ રહેશે. બાકીના જિલ્લાઓ માટે જૂની પ્રક્રિયા યથાવત રહેશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ માટે પણ આ નવું મંડળ કાર્યરત રહેશે. અમદાવાદ, મહેસાણા, હિંમતનગર અને પાલનપુર વિભાગના વર્ગ-3 અને વર્ગ-4 કર્મચારીઓની કક્ષાબદલી સંબંધિત તબીબી તપાસ કરીને કાયમી 'ફિટ' અથવા 'અનફિટ' પ્રમાણપત્ર સોલા GMERSના બોર્ડ દ્વારા આપવામાં આવશે.
નવા મંડળમાં અધ્યક્ષ તરીકે સિવિલ સર્જન અથવા મેડિસિનના સિનિયર પ્રોફેસર રહેશે, જ્યારે અન્ય સભ્યોની નિમણૂક મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા કરાશે.
આ નિર્ણયથી કર્મચારીઓને સમયસર અને નજીકના સ્થળે સેવા મળશે તેમજ પ્રક્રિયા વધુ ઝડપી બનશે.